હમેંશા પોતાના વિસ્તારનાં લોકોને થતા અન્યાય માટે આક્રમક રીતે રજૂઆત કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન દેશના અનાથ બાળકો મુદ્દે રજૂઆત કરી હતી. તેમણે સંસદમાં દેશભરમાં અનાથ બાળકોને વધતી સંખ્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે સાથે એમણે સરકારને રજૂઆત કરી હતી કે, દેશમાં અનાથ બાળકોના કલ્યાણ માટે પગલાં લેવા અત્યંત જરૂરી છે.
અનાથ બાળકો બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં જણાવ્યું હતું કે, દેશમાં અનાથ બાળકોને નાગરિક અધિકારો પ્રદાન કરવાની જરૂરિયાત તરફ હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું. સરકાર જાણે છે તેમ, 'અનાથ' શબ્દની વિવિધ વ્યાખ્યાઓ છે. સામાજિક રીતે અનાથ એવા બાળકો છે કે જેઓ અત્યંત ગરીબી, શારીરિક શોષણ અને ત્યજી દેવાના કારણે સંભાળ રાખી શકતા નથી. યુનિસેફના અગાઉના સર્વે મુજબ, વિશ્વમાં લગભગ 20 મિલિયન અનાથ બાળકો છે અને એમાંથી 4 ટકાથી વધુ વસ્તી ભારતમાં છે. ઘણા બાળકોના માતા-પિતા નથી અને અસંખ્ય બાળકોને તેમના પરિવારોએ ત્યજી દીધા છે અને શેરીઓમાં રખડ્યા છે.
અનાથ બાળકોનો કોઈ સામાજિક દરજ્જો નથી અને દેશમાં તેમના માટે કોઈ રક્ષણાત્મક તંત્ર અસ્તિત્વમાં નથી. તેઓ સમાજમાં અત્યંત જોખમી વાતાવરણમાં રહે છે. આ સંદર્ભે, હું સરકારને વિનંતી કરું છું કે અનાથ બાળકોને નાગરિક અધિકારો તેમજ સલામત વાતાવરણ આપવા માટે, રાજ્ય સરકારો સાથે વિલંબ કર્યા વિના તેમને મુખ્ય પ્રવાહમાં જવા માટેના તમામ સરકારી પ્રયાસો કરવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.