વયોવૃદ્ધો માટે પોસ્ટલ બેલેટથી મતદાન:નર્મદા જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના 113 મતદારો પૈકી 98 મતદારોએ પોતાના નિવાસ સ્થાનેથી મતદાન કર્યું

નર્મદા (રાજપીપળા)3 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દર વર્ષે કર્મચારીઓના પોસ્ટલ બેલેટ પેપેર દ્વારા પૂર્વ મતદાન કરવામાં આવે છે. તેવીજ વયો વૃદ્ધ મતદારોનું પણ બેલેટ પેપરથી મતદાન કરવાની એક શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા 80 વર્ષથી વધુ વયના નાગરિકો માટે ફોર્મ 12-ડી હેઠળ માન્ય રાખેલી યાદી મુજબના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં કુલ 113 વયોવૃદ્ધ મતદાતાઓ નોંધાયા
આ મતદાનની પ્રક્રિયામાં 30 જેટલાં વયોવૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે દેડિયાપાડા વિધાનસભા મતદાર વિસ્તારમાં વયોવૃદ્ધ મતદાતાઓ માટે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં માન્ય ઠરેલા 73 મતદાતાઓ પૈકી 68 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં કુલ મળીને 113 નોંધાયેલા વયોવૃદ્ધ મતદાતા પૈકી 98 મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું.​​​​​​​

સમગ્ર કામગીરી માટે 12 જેટલી ટીમો કાર્યરત
​​​​​​​
ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ કર્મચારી ઓ અને પોલીસ જવાનોની કુલ 12 જેટલી ટીમો દ્વારા આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. બંન્ને મતદાર વિસ્તારોમાં યોજાયેલી પોસ્ટલ બેલેટની કામગીરીનું મોનીટરિંગ ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણીની રાહબરીમાં મદદનીશ ચૂંટણી અધિકારી એ.વી.વિરોલા અને પ્રતિક સંગાડા દ્વારા કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચની આ સુવિધા ખરેખર ખૂબજ સારીઃ મતદાતા
રાજપીપલાના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરીમાંથી વય નિવૃત્ત થયા બાદ નિવૃત્ત જીવન ગાળી રહેલા દેવદાસભાઈ મોહનભાઈ કા.પટેલે જણાવ્યું હતું કે, હું છેલ્લા 23 વર્ષથી નિવૃત્ત જીવન વિતાવી રહ્યો છું. અત્યાર સુધી દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છે. હાલમાં મને જોવા-સાંભળવાની અને ચાલવાની તકલીફ છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વયોવૃદ્ધ મતદારો માટે ઘર આંગણે જ પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેના આધારે આજે હું મારા મતાધિકારનો ઉપયોગ કરી શક્યો છું. મતદાનની ગુપ્તતા પણ જળવાઈ છે અને મુક્ત વાતાવરણ વચ્ચે મેં મતદાન કર્યું છે. ચૂંટણી પંચની આ સુવિધા ખરેખર ખૂબજ સારી છે.

અન્ય સમાચારો પણ છે...