ભારતની હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં આવતીકાલથી એટલે કે શુક્રવારથી યોજાવાનો છે. આ શો અંતર્ગત આયોજકો દ્વારા 5મી જાન્યુઆરી, ગુરુવારે સવારે વિન્ટેજ કાર રેલીનું પ્રસ્થાન સવારે 7.30 કલાકે વડોદરા લક્ષ્મીપેલેસથી કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વિન્ટેજ કાર જોવા પ્રવાસીઓ ઉમટ્યા
આ વિન્ટેજ કારો કેવડિયા બસ પોઇન્ટ મેદાનમાં લાઈનબદ્ધ મુકવામાં આવી હતી અને બે કલાક નું પ્રદર્શન યોજાયું હતું. જે જોવા પ્રવાસીઓના ટોળા ઉમટ્યા હતા. પ્રવાસીઓ આ વિન્ટેજ કાર સાથે એક યાદગારી રાખવા સેલ્ફી ફોટા પડાવતા જોવા મળ્યા હતા. કેવડિયા ખાતે એક સાથે 75 જેટલી વિન્ટેજ કારો જોઈ પ્રવાસીઓએ પણ આકર્ષણ જમાવ્યું હતું.
માલિકો કારને એક સંતાનની જેમ સાચવે છે
વિન્ટેજ કાર માલિકો વડોદરાથી 90 કિ.મીનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે પહોંચ્યા હતા. આ કારનો ઉપયોગ રજવાડાઓ સમયના રાજા, મહારાજા કે મહારાણી, અંગ્રેજો કરતા હતા. વિન્ટેજ કારના માલિકો સમયસર સર્વિસ, અઠવાડિયે ચલાવવું સહિત કામગીરી કરે છે. આ કારના માલિકો કારને એક સંતાનની જેમ કાળજી રાખતા હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.