જાહેરનામું:મંદિર-મસ્જિદ ચર્ચના સ્પીકરના અવાજ ધીમા રાખવા જાહેરનામું

રાજપીપળા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન પ્રંસગે બેન્ડવાજા-ડીજે વગાડવાना અવાજની માત્રા નક્કી કરાઈ

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લામાં લગ્ન તથા ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં નાચગાન કે ઘોંઘાટને લીધે ઝગડા તકરાર ન થાય તે માટે ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા તેમજ જિલ્લામાં કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ તથા કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નર્મદા જિલ્લાના નિર્દિષ્ટ વિસ્તાર તથા સમય માટે કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જિલ્લા કલેક્ટરે જાહેરનામામાં દર્શાવ્યાં મુજબ સરકારી કચેરીઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગાયનોનો માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે.(ડીસ્ક જોકી) સિસ્ટમમાં ઉપયોગ કરી શકાશે નહીં.

રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન ગરબા જાહેર માર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં. પરંતુ અગાઉથી અધિકૃત પરવાનગીના આધારે ઉપરોક્ત પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.

તેવીજ રીતે વરઘોડા રેલી, ધાર્મિક, રાજકીય કે સામાજિક શોભાયાત્રાઓના સમય દરમ્યાનમાં ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી પરવાનેદાર વ્યક્તિની રહેશે.કોઈ પણ મંજૂરી સવારના 6 કલાકથી રાત્રિના 10 કલાક સુધી જ મળશે. મંદિરો, ચર્ચ, મસ્જિકોમાં માઈક સિસ્ટમ વાજિંત્રનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો નોંધી માલિક, ભાગીદાર, મેનેજર, સંચાલકની ધરપકડ કરી તમામ માઈક સિસ્ટમ ગુન્હાના મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...