ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નવીન ડ્રોન ટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે કૃષિક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના અમલમાં મૂકાઈ છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી વિનોદ પટેલની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામેથી ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લામાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે દવા છંટકાવની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારની ખેડૂતલક્ષી અધ્યતન ડ્રોન ટેકનોલોજીથી સંચાલિત ( કૃષિ વિભાગ ) દ્વારા નર્મદા જિલ્લામાં પ્રથમ વખત નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં યુરિયા ખાતરનો શેરડીના પાકમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેડૂતો નેનો યુરિયા, પાક સંરક્ષકો તથા અન્ય FCO માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરોનો ખેતરમાં ઓછા સમયમાં પાકની અલગ-અલગ અવસ્થામાં છંટકાવ કરી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં પ્રારંભિક તબક્કામાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી 600 રૂપિયા પ્રતિ એકરનો ખર્ચ થાય છે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ એકર દીઠ 90 ટકા એટલે કે રૂપિયા 500 ની સબસિડી પણ આપવામાં આવશે. આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિખર્ચમાં બચત થશે. સાથોસાથ કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પણ પ્રોત્સાહન મળી રહેશે. ડ્રોન ટેક્નોલોજીના પ્રારંભે નાંદોદ તાલુકાના પ્રતાપનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ, ગામના તેમજ આસપાસના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.