નર્મદા જિલ્લામાં ખેડૂતોને છેતરવા ભેજાબાજ કપાસના વેપારીઓ નવા પ્રયોગો કરી ખેડૂતોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે. રિમોટવાળા કાંટાથી જાતે 10થી 15 કિલો વજન ઓછું કરી નાખે અને એવી રીતે ખેડૂતોનો કપાસ વધુ લઇ જાય છે. નાંદોદ તાલુકાના ટંકારી ગામેં ખેડૂતોએ કપાસના વેપારીનો રિમોટવાળો કાંટો ઝડપી પાડતા તે ટેમ્પો મૂકી ભાગી ગયો હતો. આ સાથે અન્ય ગામોમાં આ ભેજાબાજ ખેડૂતોને ઉઘાડા પાડવા ઈલેક્ટ્રિક કાંટો અને રીમોર્ટનું ડેમો બતાવતો વીડીયો વાયરલ કર્યો છે.
બટન દબાવતા જ વજન ઓછું
નર્મદા જિલ્લો કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રહે છે. ખાસ કરીને નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં કપાસ વધુ પ્રમાણમાં થાય છે અને હાલ કપાસનો ભાવ પણ 7થી 8 હજાર જેટલો ઉંચો રહે છે. ત્યારે ખેડૂતોના કપાસ લેવા વેપારી ગામડે ગામડે ખરીદી કરવામાં આવે છે. ગત રોજ એટલે કે બુધવારે એક ભેજાબાજ વેપારી નાંદોદ તાલુકાના ટંકારી ગામે આવ્યો હતો અને કપાસ લેવાનું ચાલુ કર્યું. આ વેપારી પાસે રિમોટ બટન દબાવવાથી વજન ઓછું થાય એવો કાંટો હોય રિમોટનું A બટન દબાવે 5 કિલો વજન ઓછું બતાવે, જ્યારે C બટન દબાવે ત્યારે 15 કિલો જેટલુ વજન ઓછું બતાવે. એટલે એટલા વજન કપાઈ જાય છે. ઇલેક્ટ્રિક કાંટા દ્વારા આ ભેજાબાજ વેપારી એક પછી બીજા અને ત્રીજા ખેડૂતને ત્યાં કપાસની ખરીદી કરવા ગયેલા વેપારી જ્યારે કપાસ તોલતો ત્યારે ગામ લોકોને વેપારી પર શંકા જતા વેપારીને ચેક કરવામાં આવતા રિમોટ મળી આવ્યું હતું.
વેપારીની પોલ ખુલી જતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા
પોતાને ગ્રામજનોનો મેથીપાક પડશે એવું સમજી વેપારી સમય સુચકતા જોઈ ભાગી ગયો, પરંતુ વેપારી વજન કાંટો અને કપાસ ભરેલો ટેમ્પો ત્યાં છોડી ગયા. સ્થાનિક ગ્રામજનોએ આ રિમોટનો ખેલ જોયો તો તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. એટલે ગામોમાં કપાસના વેપારીઓ આવો ખેલ ના રમે એ માટે ગ્રામજનોએ એક ડેમો કરી વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી એક જાગૃતિ લાવી રહ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા આવા વેપારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવી જોઈએ તેવું સોશિયલ મીડિયામાં લોકો માગ કરી રહ્યા છે. ત્યારે આ વેપારી સામે પણ પગલાં ભરવા લોકો તૈયાર થયા છે.
ખેડૂતોએ બુદ્ધિ વાપરી વેપારીને ઝડપી પાડ્યો
ડભોઇનો એક વેપારી ગ્રામ્ય વિસ્તારમાં કપાસ લેવા મુખ્યત્વે રાત્રે જ આવતો અને આ રિમોટવાળા કાંટાથી વજન ઘટ મારતો. બે વાર છેતરાયા બાદ શંકા જતા અમે અમારો કપાસ તોલીને રાખ્યો હતો અને આ વેપારી આવ્યો ત્યારે ખેડૂતે પોતાનો તોળેલો કપાસ 11 કવીન્ટલ હતો, જે વેપારીએ તોળાતા 8 કવીન્ટલ થયા. એટલે અમે બધા ખેડૂતોએ વેપારીને પકડી ધમકાવ્યો તો સાચું બોલ્યો અને બધું ફેંકી ભાગી ગયો હતો.
સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો
રાજપીપળા સહિત જિલ્લામાં તાલુકા સ્થળે સ્થાનિક કપાસ ખરીદતા વેપારીઓ છે. જે વર્ષોથી ગામમાં રહીને ધંધો કરતા હોય છે. ખેડૂતોની મહેનત તેમને ખબર હોય છે, જેઓ ક્યારે ખેડૂતો સાથે આવું નહીં કરે, પરંતુ સ્થાનિક બજારના વેપારીઓ કરતા વધારે ભાવ આપી બહારના વેપારીઓ આવું કરી ખેડૂતોને છેતરે છે. એટલે બહારના વેપારી ભલે વધુ ભાવ આપે પણ સ્થાનિક વેપારીઓને કપાસ સહિત ખેતીના ઉત્પાદનો વેચવા જોઈએ.
APMC કપાસની ખરીદી શરૂ કરે
રાજપીપળામાં જીન મેદાન મોટું છે અને APMC પણ ખુબ સક્રિય છે. ત્યારે જો રાજપીપળામાં જિનિંગ સેન્ટર સરકાર આપે અને કપાસને પણ ટેકાના ભાવથી ખરીદવામાં આવે તો ખેડૂતોને ખુબ ફાયાદો થાય. સ્થાનિક વેપારીઓએ પણ ખડૂતો પાસેથી ખરીદેલો કપાસ બોડેલી વેચવા જાય છે. જો રાજપીપળા ખાતે સેન્ટર ચાલુ થાય તો ખેડૂતો અને વેપારીઓ બંનેને ફાયદો થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.