ભાસ્કર વિશેષ:ધારીખેડાની નર્મદા સુગરે વિક્રમી 11.30 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી ખેડૂતોને ઉગાર્યાં

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ગણી વધારે શેરડીની વાવણી કરાતાં મેનેજમેન્ટની ચિંતા વધી હતી

નર્મદા જિલ્લાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેકટરીએ વિક્રમી કહી શકાય તેટલી 11.30 લાખ મેટ્રીક ટન શેરડીનું પિલાણ કર્યું છે. ત્રણ ગણી વધારે શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી એક તબકકે મેનેજમેન્ટની ચિંતા વધી હતી પણ 53 હજાર મે.ટન શેરડી અન્ય સુગર ફેકટરીઓમાં મોકલી સભાસદોને નુકશાનમાંથી બચાવી લેવાયાં હતાં.

નર્મદા ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ધારીખેડાની 33 મી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ મળી હતી.જેમાં ચેરમેન ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર તેમજ તમામ ડિરેક્ટરો અને એમ.ડી નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો હાજર રહયા હતાં.નર્મદા સુગર ફેકટરી દ્વારા સભાસદ ખેડૂતોને વાવણી માટે શેરડી આપવામાં આવી હતી તેના કરતાં ત્રણ ગણી વાવણી ખેડુતોએ કરી દેતાં સંચાલકોની મુશ્કેલી વધી હતી. સુગર ફેકટરીના મેનેજમેન્ટે એક પણ ખેડૂતની શેરડી ખેતરમાં રહી ના જાય તેવું આયોજન ઘડી કાઢયું હતું.

તમામ 11,30,000 મેટ્રિક ટન શેરડીની કુલ કાપણી કરવામાં આવી હતી અને વધેલી શેરડી 53,000 મેટ્રિક ટન અન્ય સુગરમાં મોકલી આપવામાં આવી હતી. નર્મદા સુગરે અન્ય સુગર ફેકટરીઓ કરતાં સભાસદોને શેરડીના રેકોર્ડબ્રેક ભાવ આપ્યાં છે. વધુમાં ચાલુ સીઝનમાં 11.30 લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી વિક્રમ બનાવ્યો છે. આ સફળ કાર્ય માટે ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતની ટીમ નું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...