ગુજરાતને વ્યાજખોરી મુક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના નાગરિકોમાં સામાજિક જાગૃતિ આવે તે હેતુ સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લાના સરદાર ટાઉન હોલ રાજપીપલા ખાતે “લોક સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, વસ્તુ અને નાણાંની લેવડ-દેવડ એ મનુષ્ય જાતિના ઈતિહાસનો સૌથી જૂનો વ્યવસાય છે. લાલચ અથવા મજબુરીના કારણે અત્યાર સુધી લોકોને ખાનગી પેઢી પાસેથી વ્યાજે નાણાં લેવાના કારણે મોટું નુકસાન થયું છે. આજે મંજૂરી વગર વ્યાજનો વ્યવસાય કરતા લોકો મર્યાદિત વ્યાજ કરતા વધુ વ્યાજ લઈ રહ્યાં હોવાની અનેક ફરિયાદો સામે આવે છે. લોકો વ્યાજની રકમ ચૂકવવા સક્ષમ ન હોય ત્યારે અન્ય પ્રકારે ત્રાસ તેમજ ધાક-ધમકીથી રૂપિયા ઉઘરાવવા સહિત અન્ય ખોટી રીતે વસૂલાત પણ કરવામાં આવતી હોય છે. તે હવે નર્મદા જિલ્લા પોલીસ નહીં બક્ષે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રશાંત સુંબેએ કહ્યું કે, જિલ્લામાં ખોટી રીતે વ્યાજનો ધંધો કરતા લોકો અંગે નિડરતાથી જિલ્લા પોલીસ તેમજ જિલ્લા રજીસ્ટ્રારને ફરિયાદ કરવા અપીલ કરી હતી. આવી માહિતી આપનાર નાગરિકોની વિગતો ગુપ્ત રાખવામાં આવશે. ત્યારે વ્યાજખોરોની ગેરરીતિ અંગે આ લોકસંવાદમાં મેળવેલી માહિતીને અન્ય 100 લોકો સુધી પહોંચાડવા સુંબેએ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોને અપીલ કરી હતી.
ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે આ અવસરે જણાવ્યું કે, લોકો જરૂરિયાત મુજબ વ્યાજે નાણાં લઈ લે છે પરંતુ તેની ચુકવણીમાં સફળ થતા નથી. આવા સમયે શ્રોફ પેઢી દ્વારા કરાતી વસૂલાત ત્રાસદાયક લાગતા અનેક અઘટિત ઘટનાઓ બને છે. જેના અનેક દાખલા આપણી સમક્ષ છે. આ વ્યાજખોરીમાંથી મુક્તિ અપાવવા નાગરિકો માટે ગુજરાત સરકારે આ કાયદો અમલી બનાવ્યો છે.
ઘનશ્યામ પટેલે કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો ખર્ચમાં કાપ મૂકી ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી કરી પોતાની આવકને બમણી કરવા તેમજ પશુપાલનને ખેતી સાથે સાંકળી લેવા આગ્રહ કર્યો હતો.
જિલ્લા રજીસ્ટ્રાર અભિષેક સુવાએ સાહુકારનો ધંધો કરનાર અંગે રાજ્ય સરકારના ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-2011 અંગે લોકોને ખુબ જ સરળ શબ્દોમાં સમજ આપતા જણાવ્યું કે, સૌ પ્રથમ વ્યાજના ધંધા માટે જિલ્લા રજીસ્ટ્રાટર પાસેથી લાયસન્સ મેળવવું જરૂરી છે. સાહુકારો જ્યારે મર્યાદા કરતા વધુ વ્યાજ તથા લોનની વસુલાત કરે તથા અન્ય કોઈ પ્રકારે ગેરરીતિ અપનાવે તો કાયદામાં કરેલી શિક્ષાત્મક પગલાની જોગવાઈએ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. લોન કે વ્યાજે પૈસા લેતી વખતે દસ્તાવેજીકરણ દરમિયાન કેટલીક સાવધાની રાખવા અંગે પણ વિસ્તૃતમાં જણાવ્યું હતું. જિલ્લા પોલીસતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરી આવી ખોટી નીતિ અપનાવનાર સાહુકારો વિરુદ્ધ ફરિયાદ કરી પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરવા અંગે આગ્રહ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.