આગામી વર્ષ 2025 સુધીમાં ભારત દેશને ટીબી મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા 24મી માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણીને ધ્યાનમાં લઈને તબક્કાવાર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સાયક્લોથો યોજાઈ હતી.
“હા! આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ” થીમ અંતર્ગત “ટીબી હારેગા દેશ જીતેગા”ના સૂત્ર સાથે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજીત સાયક્લોથોનનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ વસાવા અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખના વસાવાના હસ્તે જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાંથી પ્રસ્થાન કરાવાયું હતું.
ચાર રૂટ પર યોજાઈ સાયક્લોથોન
જિલ્લા પંચાયતના પ્રાંગણમાંથી શરૂ થયેલી સાયક્લોથોન 4 કિમી, 10 કિમી, 22 કિમી અને 32 કિમી એમ ચાર રૂટમાં યોજાઈ હતી. આ સાયક્લોથોન જિલ્લા પંચાયત થઈને ગાંધીચોક, કલેક્ટર કચેરી, જકાતનાકા, સર્કિટ હાઉસ, વાઘપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરિયા સુધી પહોંચી પરત અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર(જુની સિવિલ હોસ્પિટલ) રાજપીપલા ખાતે સંપન્ન થઈ હતી. આ સાયક્લોથોનમાં ભાગ લઈ પૂર્ણાહૂતિ સુધી પહોંચેલા તમામ સાઈક્લિસ્ટોને પ્રમાણપત્રો એનાયક કરવામાં આવ્યા હતા.
11 વર્ષીય રિદ્ધેશ વસાવાએ 20;કિમી સાયકલિંગ કરી યુવાનોને સંદેશો પાઠવ્યો
રાજપીપળાના 11 વર્ષીય રિદ્ધેશ વસાવાએ આજરોજ યોજાયેલી સાયક્લોથોનમાં ભાગ લઈને 20 કિમીની સાયકલિંગ કરી યુવાનોને ફિટ ઈન્ડિયાનો સંદેશો આપ્યો હતો. સાથોસાથ ટીબી જેવી બિમારી સામે લડતા લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની કામના કરી નવી પેઢીને સ્વસ્થ રહેવા માટે સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અપીલ કરી હતી. રિદ્ધેશે સાયકલિંગ પૂર્ણ કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.