છેલ્લા દસેક દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.40 લાખની કિંમતની 20 મિલીયન (લાખ) યુનિટનું વિજ ઉત્પાદન થઈ રહ્યું છે. વિજ ઉત્પાદન બાદ ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. કેનાલ હેડ પાવર હાઉસના 01 યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા.1 લાખની કિંમતનું 0.5 મિલીયન (લાખ) યુનિટનું વિજ ઉત્પાદન કરવામાં આવે છે.
તા.25મી જુલાઇએ બપોરે બે કલાકે નર્મદા ડેમની સપાટી 126.66 મીટર નોંધાઇ
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા. 25મી જુલાઇ,2022ને સોમવારના રોજ બપોરે બે કલાકે 126.66 મીટરે નોંધાયેલ છે. અને દર કલાકે 10 થી 12 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે જ્યારે ડેમમાં ૧.૩૦ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૬૧૦૧.૩૨ મીલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. છેલ્લા દસેક દિવસથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરફથી પ્રાપ્ત થઇ છે.
20મિલીયન યુનિટ વિજ ઉત્પાદન
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા દસેક દિવસથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.40 લાખની કિંમતની 20મિલીયન (લાખ) યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.
તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળું એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં 0.5 મિલીયન (લાખ) યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે. તેમજ દરરોજ સરેરાશ રૂા.1 લાખની કિંમતનુ 0.5 મિલીયન (લાખ) યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ 3500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે. જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.