પાણીની આવક ઘટી:નર્મદા ડેમની જળ સપાટી 131.05 મીટર 12 કલાકમાં માત્ર 0.17 મીટરનો વધારો

રાજપીપળા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમકારેશ્વર ડેમના દરવાજા બંધ કરાતાં સરદાર સરોવરમાં પાણીનો આવરો ઘટી ગયો

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર તથા ઇન્દિરાસાગર ડેમના દરવાજાઓ બંધ કરવામાં આવી રહયાં હોવાથી સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી છે. પાણીની આવક એક લાખ કયુસેકની અંદર આવી જતાં ડેમની સપાટી છેલ્લા 12 કલાકમાં માત્ર 0.17 મીટર જેટલી જ વધી છે. હાલ ડેમની સપાટી 131.05 મીટર છે. મધ્યપ્રદેશ તથા કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર તથા ઇન્દિરા સાગર ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમની સપાટીમાં ઝડપથી વધારો થયો હતો.

આ સપ્તાહ દરમિયાન ઉપરવાસમાંથી સરેરાશ 3 લાખ કયુસેક પાણી આવતાં ડેમની સપાટી 130 મીટરને પાર કરી ચુકી છે. હવે ઓમકારેશ્વર ડેમના દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે ત્યારે સરદાર સરોવરમાં આવતા પાણીનો આવરો 73 હજાર કયુસેક પર પહોંચ્યો છે. 73 હજાર કયુસેક પાણીની આવક સામે 50 હજાર કયુસેક પાણી વીજ ઉત્પાદનમાં વપરાય રહયું છે. નર્મદા ડેમની સપાટી હાલ 131.05 મીટર છે જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ હજી 7 મીટર જેટલો ખાલી છે. છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં માત્ર 0.17 મીટરનો વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...