સરકાર સામે ખેડૂતો આકરા પાણીએ:નાંદોદના ખેડૂતોના પાક નુકસાની વળતર મુદ્દે સરકાર વિરુદ્ધ દેખાવો; ભરોસાની ભાજપ સરકારને જાકારો આપવાની ચીમકી

નર્મદા (રાજપીપળા)એક દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી પેહલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખેડૂતોએ પાક નુકશાની વળતર મુદ્દે સરકાર વિરુદ્ધ દેખાવો કરી ભરોસાની ભાજપ સરકારને જાકારો આપવાની ચીમકી આપી હતી. આ વાત ઉચ્ચારતા ભાજપ સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. નાંદોદ તાલુકાનાં ખેડૂતોએ પાક નુકસાનીના યોગ્ય વળતર મુદ્દે ભાજપ સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો.

અરજી વધુ અને ગ્રાન્ટ ઓછી
નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના ખેડૂત જસપાલસિંહ ગોહિલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે કેળના પાકને મોટું નુકસાન ગયું હતું. 2 હેકટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 30 હજાર રૂપિયા વળતર આપવાનું નક્કી પણ થયું હતું. 2 સર્વે થયા બાદ ફોર્મ પણ ભરાયા હતાં છતાં અમને નુકસાનીનું વળતર હજુ સુધી મળ્યું નથી. ગયા મહિને ફોર્મ ભરાયા બાદ યોગ્ય વળતર મળશે એવી બાહેંધરી પણ આપવામાં આવી હતી. પરંતુ ગત રોજ એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતાં. અધિકારીઓએ કારણ બતાવ્યું કે, જરૂરિયાત કરતા વધારે અરજી આવી ગઇ છે અને ગ્રાન્ટ ઓછી છે.

કેળાની જગ્યાએ કપાસનું નુકસાન બતાવા કહ્યું
જસપાલસિંહ ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આખા જિલ્લામાં ભાજપના એક નેતાના વિસ્તારના જ 18 ગામોને સહાય આપવાનું નક્કી થયું છે. અમને 30 હજાર રૂપિયાની જગ્યાએ 6 હજાર રૂપિયા જ સહાય આપવાનુ જણાવાયું છે. યોગ્ય સમયે વળતર ન મળતા ખેડૂતો માથે હાથ મૂકી રડી રહ્યા છે. અમને એવું કેહવામાં આવે છે કે, કેળની નુકસાનીનું વધુ વળતર ચૂકવવું પડે છે એટલે તમે કેળાની જગ્યાએ કપાસનું નુકસાન બતાવો. આ માટે તમને પ્રતિ હેકટર 6 હજાર રૂપિયા વળતર મળશે. અમે કેળાની ખેતી કરતા હોઈએ તો કપાસનું નુકસાન કેવી રીતે બતાવીએ? 6 હજાર વળતર સામે અમને કેળાની ખેતી પાછળ 6 હજાર તો ખર્ચ થઈ જાય છે. જો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે ભરોસાની ભાજપ સરકારને જાકારો આપીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

અન્ય સમાચારો પણ છે...