નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉપસ્થિત રહીને જનતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
તંત્ર દ્વારા પાઠવવામાં આવેલા પ્રશ્નોની વિગતો પુરી પાડી હતી. જેમાં નલ સે જલ, આદિજાતિ વિકાસ, રોડ-રસ્તા, શિક્ષણ, જમીન સંપાદન, પોલીસ તંત્રની કામગીરી સહિત આઈસીડીએસ, જિલ્લા પુરવઠા અને આદિજાતિ વિભાગ, ટ્રાયબલ સબ પ્લાનને લગતી યોજનાઓની સમીક્ષા કરાઈ હતી. જેમાં ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર વિશેષ ભાર આપી પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી બાકી રહેલી કામગીરીને આયોજનબદ્ધ રીતે એકબીજાના વિભાગો સાથે સંકલન કરી ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
બેઠકમાં જન પ્રતિનિધિ દ્વારા વિસ્તારના વિકાસના કામોની દરખાસ્ત મંજૂર કરતા પહેલા તેમના અભિપ્રાયો લેવા પર ભાર મૂક્યો હતો. રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ અધિકારીઓએ કરેલી કામગીરી અંગે ઉત્તરો આપ્યા હતા. કલેક્ટરે પણ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદઉપરાંત, સંભવિત હીટવેવને ધ્યાનમાં લઇને અરજદારો માટે કચેરીમાં બેઠક વ્યવસ્થા તેમજ ઠંડા પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું. સાથે ગ્રામીણ ક્ષેત્રેમાં પાણીની તંગી ન પડે તે માટે અત્યારથી જ આયોજન કરવા જણાવ્યું હતું.
સંકલનની બેઠક બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંગે બેઠક મળી હતી. જેમાં સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.