કુપોષણ:બાળકોના વજન-ઊંચાઇના આંકલનથી કુપોષણ દૂર કરાશે

રાજપીપળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજયમાં 3.20 લાખ જેટલા બાળકો કુપોષિત : નર્મદાની 952 આંગણવાડીઓમાં સ્ટેડીઓમીટરની ફાળવણી કરાઇ
  • દરેક બાળકના ​​​​​​​વિકાસની નોંધ લઇ માહિતી એકત્ર કરાશે, ડેટા એનાલિસીસ આગામી યોજનાઓમાં મદદરૂપ થશે

નર્મદા જિલ્લામાં કુપોષણની નાબુદી માટે ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે 952 આંગણવાડીઓમાં બાળકોના શારિરીક વિકાસની નોંધ લેવા માટે સ્ટેડીઓમીટર આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે નર્મદાને એસ્પિરેશન જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત કેન્દ્ર સરકારની સીધી નજર રહેલી છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં આ જિલ્લામાં કૃપોષણની સમસ્યા છે.

હાલ રાજ્યભરમાં પોષણ અભિયાન અંતર્ગત સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન આંગણવાડી, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયાં છે. સશક્ત મહિલા, સાક્ષર બાળક અને સ્વસ્થ માતાની થીમને ચરિતાર્થ કરવા માટે તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા પણ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લાના ભૂલકાંઓના પોષણ સ્તરને સુધારવાના ઉમદા આશય સાથે તાજેતરમાં જ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની તરફથી એસ્પિરેશન ડિસ્ટ્રીક્ટ નર્મદાને બાળકોની ઉંચાઈ માપવા માટે અંદાજિત 23.80 લાખના ખર્ચે 952 સ્ટેડીઓમીટર આપવામાં આવ્યાં છે. ઉંચાઈના આધારે બાળકનું વજન કેટલું હોવું જોઈએ, કેવો આહાર લેવો જોઈએ તેમજ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ વિષે આંગણવાડી કાર્યકરો દ્વારા સગર્ભા માતા, ધાત્રી માતા સહિત ગ્રામજનોને પણ સમજણ પૂરી પાડી જાગૃત કરવામાં આવે છે. બાળકોના વજન અને ઉંચાઈની તમામ વિગતો આંગણવાડી કાર્યકરો દ્વારા “પોષણ ટ્રેકર” એપ્લિકેશનમાં નોંધાવવા આવે છે.

કુપોષિત બાળકોની સંખ્યામાં ગુજરાત ત્રીજા ક્રમે
તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં એક આરટીઆઇ કરવામાં આવી હતી. આ આરટીઆઇમાં ખુલાસો થયો છે કે આખા દેશમાં 17.76 લાખ બાળકો કુપોષિત છે અને કુપોષિત બાળકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે.

બાળકનું વજન ઓછું હશે તો શું થશે ?
બાળકનું વજન અને ઉંચાઈ અતિ ઓછી હોય તેવા કિસ્સામાં બાળકોને બાળશક્તિ યોજના તેમજ સગર્ભા-ધાત્રી માતા બાળકને જન્મ આપે અને બાળક સુપોષિત રહે તે માટે દર માસે ટીએચઆર તરીકે તેમને પૂર્ણાશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે.

નર્મદા જિલ્લા કલેકટરની દરખાસ્તને વડોદરાની કંપનીએ સ્વીકારી
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ એચપીસીએલ વડોદરાને મોકલેલી દરખાસ્તને કંપનીએ માન્ય રાખી હતી. અને તેઓના CSR ફંડમાંથી જિલ્લાને સ્ટેડીઓમીટર ઉપલબ્ધ કરાવ્યાં છે. જેથી બાળકોની ઉંચાઈ માપી યોગ્ય વજન તથા પોષણની સ્થિતિનું યોગ્ય આંકલન કરી બાળકોની ગ્રોથ મોનિટરિંગ પર દેખરેખ રાખી શકાય છે. આંગણવાડીની બહેનોએ મશીનનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...