સાગબારા પોલીસે ચોપડવાવ ડેમ નજીકના અંતરિયાળ રસ્તા પરથી દારૂની ખેપ મારતી કાર ઝડપી પાડી છે. પોલીસે પીછો કરતાં બુટલેગર કાર મુકી ફરાર થઇ ગયો હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે.સાગબારા પોલીસને બાતમી મળી કે એક કારમાં વિદેશી દારૂ ભરી ભરૂચ તરફ લઇ જવામાં આવી રહયો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતાં અમિયાર ગામ નજીક આવેલ ચોપડવાવ ડેમના અંતરિયાળ રસ્તા પર એક કાર નજરે પડી હતી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ડ્રાયવરે કાર ઉભી રાખવાના બદલે હંકારી મુકી હતી.
પોલીસે પીછો કરતાં થોડે દુર બુટલેગર કાર મુકી ફરાર થઇ ગયો હતો. કારની તલાશી લેવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂની 636 બોટલ મળી આવી હતી. જેની કિમંત 1.73 લાખ રૂપિયા થવા જાય છે. પોલીસે કાર તથા દારૂ મળી કુલ 4.06 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગરની શોધખોળ આદરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. બોટાદમાં થયેલાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ સર્તક બની છે. ખાસ કરીને સ્ટેટ વિજિલન્સની ટીમ બુટલેગરો પર નજર રાખી રહી છે. આવા સંજોગોમાં બુટલેગરો મુખ્ય રસ્તાઓના બદલે ગામડાઓના અંતરિયાળ તથા જંગલોના રસ્તે ખારૂની ખેપ મારી રહયાં છે પણ સ્થાનિક પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.