સડક સુરક્ષા જીવન રક્ષા:નર્મદામાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-2023નો પ્રારંભ; વિવિધ સ્થળોએ ટ્રાફિક જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા

ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં રાજપીપળા સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી-નર્મદા અને પોલીસ અધિક્ષકની કચેરી-રાજપીપળા દ્વારા સમગ્ર જિલ્લામાં તા.11 મીથી 17મી જાન્યુઆરી દરમિયાન માર્ગ સલામતી સપ્તાહ-2023ની ઉજવણી અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

માર્ગ સલામતી સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી તો માત્ર પ્રતિકાત્મક છે, પરંતુ આપણે આખું વર્ષ સલામતી રાખવાની છે. નર્મદા જિલ્લામાં મેં જે નિરિક્ષણ કર્યું છે, તેમાં ખાસ કરીને યુવા વર્ગ ખૂબ જ ઝડપથી વાહનો ચલાવતા દેખાય છે. માર્ગ અકસ્માતો થવાના કારણે યુવા વર્ગને સૌથી વધુ નુકશાન થઈ રહ્યું છે. જે માત્ર એક વ્યક્તિને જ નહીં પણ તેના સમગ્ર પરિવારને નુકશાન થાય છે.

આ કાર્યક્રમમાં મોટર વાહન નિરીક્ષક વી.ડી. અસલ અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ.બી. ચૌહાણે ટ્રાફિકના નિયમો, માર્ગ અકસ્માતોના કારણો, માર્ગ સાથે જિલ્લામાં ઉતકૃષ્ટ કામગીરી કરનારા ટ્રાફિક પોલીસ અને 108ના કર્મીઓને જિલ્લા કલેક્ટર હસ્તે હેલ્મેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિકના જવાનો દ્વારા ડો. આંબેડકર હોલથી બેનર્સ અને પોસ્ટર્સ સાથે શહેરના માર્ગો પર રેલી સ્વરૂપે નીકળીને નાગરિકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ વાહન ચાલકો અને નાગરિકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવાનો અવસર છે. જેથી વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે અને અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય, લોકોને પણ આ વિશે સમજણ પૂરી પાડવામાં આવશે. જેથી તેઓ પણ અકસ્માતથી બચી શકે અને જો અકસ્માત સર્જાય તો ઈજાગ્રસ્ત વ્યક્તિને કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે માટે First Aid Training Programનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રોંગ સાઈડ ડ્રાઈવીંગ, ઝડપી ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહન ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતગાર કરી તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...