ભાસ્કર વિશેષ:લાછરસ ગામના તળાવને મોડલ તળાવ બનાવાશે

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુજલામ સુફલામ યોજના હેઠળ નવીનીકરણ : તળાવના પાણી ગામમાં આવતાં રોકાશે

“સુજલામ સુફલામ-જળ સંચય અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ ગામોના 75 તળાવોને વિકસિત કરવા માટેનું અભિયાન જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોરની રાહબરીમાં હાલ જિલ્લાભરમાં ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 15 મી ઓગષ્ટ 22 સુધીમાં કુલ-20 જેટલાં તળાવોને સુવિકસિત-પુનઃનિર્માણ કરવા માટેનો લક્ષ્યાંક નક્કી કરી તેની કામગીરી કરવામાં આવતાં, હાલની વરસાદી સિઝનમાં આવા તળાવોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થઈ રહ્યો છે. જેના થકી તળાવની આસપાસના વિસ્તારમાં પાણીના સ્તર ઉંચા આવશે. સાથોસાથ ગામનાં ઢોર ઢાંખર માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) અંતર્ગત વિવિધ વિકાસના કામો પણ થઈ રહ્યા છે, ત્યારે “અમૃત સરોવર” અંતર્ગત નાંદોદ તાલુકાના લાછરસ ગામે આવેલા તળાવને “મોડેલ તળાવ” તરીકે વિકસાવવા માટે CSR એક્ટિવિટી અંતર્ગત JCB ઈન્ડિયા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લાછરસ તળાવ આશરે 8.37 એકર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ તળાવની ક્ષમતા આશરે 5.339 MCT જેટલી હતી. જેમાંથી અમૃત સરોવર અંતર્ગત આશરે 40,000 ક્યુબીક મીટર જેટલી માટી ખોદીને તળાવને ઊંડું કરવામાં આવેલ છે.

જેથી તેના જળ સંગ્રહની ક્ષમતામાં આશરે 1.412 MCFT જેટલો વધારો થયેલ છે. તળાવનું પુનઃનિર્માણ થયુ તે પહેલા વરસાદના કારણે તળાવનું જળ સ્તર વધી જતા ગામમાં પાણી ફરી વળતા હતા અને તળાવના પાળા પણ ધોવાઈ જતા હતા જેના કારણે પાણીનો વ્યય થતો હતો અને ગ્રામજનોને ઘણી તકલીફ પડતી હતી. પરંતુ હવે અમૃત સરોવર અંતર્ગત તળાવને ઊંડું કરીને ચારે તરફ માટીના પાળાનું મજબૂતીકરણ કરવામાં આવેલ છે, જેથી ગામલોકોને પડતી મુશ્કેલીમાંથી હવે મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...