સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. અત્યાર સુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે. એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ 65 હજાર વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતા ની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતવરણ સોળેકળાએ ખીલી ઉઠે છે. તેથી જ તો કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખુબ જ કરવામાં આવ્યુ છે.
"ખીલ્યો પલાશ પુર બહારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.
--- સ્વ. નરહરિ ભટ્ટ
કેસુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે.ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે.
મોંઘા કેસરથી કરવામાં આવતા સ્નાનની અહલાદકતાની અનુભૂતિ કેસુડાના પાણી સાવ સસ્તામાં કરાવે છે. આદિવાસી સમુદાય હવે હોળીના તહેવારોના ટાણે શહેરી સડકો પર કેસુડાના ફૂલો વેચીને આછીપાતળી પૂરક આવક મેળવે છે. આ સફરમાં આપની સાથે હશે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા( ગાઈડ ) તેઓ આપને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.