રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં નાટકબાજી:દર્દીઓની સંખ્યા વધારે દર્શાવવા માટે વિદ્યાર્થીઓને દર્દી બનાવી દેવાયા અને સલાઇનની ખોટી પટ્ટી પણ લગાવી દેવાઈ

રાજપીપળા14 દિવસ પહેલા
દર્દીઓની સંખ્યા વધારે દર્શાવવા માટે વિદ્યાર્થીઓને દર્દી બનાવી દેવાયા અને સલાઇનની પટ્ટી પણ લગાવી દેવાઈ
  • મેડિકલ કોલેજની મંજૂરી પહેલા આરોગ્ય વિભાગની ટીમના ઇન્સપેક્શનમાં ‘મુન્નાભાઈ MBBS’ જેવાં દૃશ્યો સર્જાયા
  • અધિકારીઓના ઇન્સપેકશન દરમિયાન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ડમી દર્દીઓ તરીકે બતાવવાનો ખેલ સિવિલ સત્તાધીશોએ કર્યો હોવાનો પર્દાફાશ.

નર્મદા જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલને GMERS સાથે સંલગ્ન કરાયાં બાદ મેડિકલ કોલેજની મંજૂરી આપતાં પહેલાં આરોગ્ય વિભાગના અધિકારીઓના ઇન્સપેક્શન દરમિયાન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ડમી દર્દીઓ તરીકે બતાવવાનો ખેલ સિવિલ સત્તાધીશોએ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. સિવિલ સત્તાધીશોના આ ખેલને જાગૃત નાગરિકોએ ખુલ્લો પાડી દેતાં સત્તાધીશો બચાવની મુદ્રામાં આવી ગયાં છે.

અધિકારીઓના ઇન્સ્પેક્શન દરમિયાન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ડમી દર્દીઓ તરીકે બતાવવાનો ખેલ સિવિલ સત્તાધીશોએ કર્યો હોવાનો પર્દાફાશ.
અધિકારીઓના ઇન્સ્પેક્શન દરમિયાન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ડમી દર્દીઓ તરીકે બતાવવાનો ખેલ સિવિલ સત્તાધીશોએ કર્યો હોવાનો પર્દાફાશ.

રાજપીપળા ખાતે આવેલી અને 100 વર્ષ કરતાં વધારે જૂની સિવિલ હોસ્પિટલનું હાલની હોસ્પિટલથી એક કિલોમીટરના અંતરે આવેલી આર્યુવેદિક કોલેજની ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલને ગુજરાત મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર (GMERS) સાથે સંલગ્ન કરી દેવામાં આવી છે. રાજય સરકારના આ પગલાંથી સિવિલ હોસ્પિટલની નામનામાં વધારો જરૂર થશે પણ આ પહેલાં સત્તાધીશોના એક ખેલના કારણે હોસ્પિટલ વિવાદમાં આવી છે. રાજપીપળાની સિવિલ હોસ્પિટલ પણ હવે મેડિકલ કોલેજ સંલગ્ન GMERS હોસ્પિટલ તરીકે ઓળખાશે.

સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજની મંજુરી આપતાં પહેલાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજપીપળાની સિવિલ હોસ્પિટલના ઇન્સપેકશન માટે આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવી રહયાં છે અને તેમની અદ્યતન સારવાર થઇ રહી છે તે બતાવવા માટે સત્તાધીશોએ મોટો ખેલ કર્યો હતો. જીતનગર પાસે આવેલી નર્સિંગ કોલેજના 29 જેટલા છાત્રોને દર્દી બતાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ વિદ્યાર્થીઓને અલગ અલગ વોર્ડમાં દર્દી તરીકે બેડ પર સુવડાવી દેવામાં આવ્યાં હતાં. સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટનાએ ફીલ્મ મુન્નાભાઇ એમબીબીએસની યાદ અપાવી દીધી હતી. આ ફીલ્મમાં દર્દીઓની સાથે ડોકટરો પણ નકલી હતાં જયારે રાજપીપળાની સિવિલમાં ડોકટરો અસલી પણ દર્દીઓ નકલી હતાં.

હાથ પરની પટ્ટી ઉખાડવામાં આવતાં સિરિન્જ ન મળી
હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓને ઇન્જેકશન મારવા માટે કે પછી બોટલ ચઢાવવા માટે ખાસ પ્રકારની સિરિન્જ લગાડવામાં આવે છે. ફરજ પર હાજર વોર્ડ નર્સને બોલાવી પટ્ટી કાઢી બતાવવાનું જણાવતા ત્યાં દરેકના હાથે માત્ર શોભાની પટ્ટી હોવાનું અને વેઈનફ્લોમાં સોય ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીઓની ઉંમર એકસરખી
સિવિલ હોસ્પિટલના મહિલા સર્જિકલ વોર્ડમાં દાખલ થયેલા યુવા દર્દીઓની વય એક સરખી જોવા મળી હતી. આ દર્દીઓની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ જીતનગર સરકારી નર્સિંગ સ્કૂલની છાત્રાઓ છે. તેમણે અહીં કેમ દાખલ કરાયો છે તેનો જવાબ આપ્યો ન હતો. તેવી જ રીતે ઇએનટી વોર્ડમાં દાખલ 10 યુવતીઓની ઉમર પણ સરખી હતી અને તેઓ પણ નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ હતી. પુરુષ સર્જિકલ વોર્ડ તથા અોર્થોપેડિક વોર્ડમાં પણ 8 દર્દીઓ ડમી હોવાની વિગતો બહાર આવી છે.

નર્સિંગના વિદ્યાર્થીઓને તાલીમ માટે બોલાવાયા હતાં
સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દીઓની વાત ઉપજાવી કાઢવામાં આવી છે. હાલમાં હોસ્પિટલને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં લઇ જવામાં આવી રહી હોવાથી નર્સિંગના વિદ્યાર્થીઓને મદદ માટે બોલાવાયાં હતાં. આ ઉપરાંત દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તેની તાલીમ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી હોવાથી તેમને બેડ પર સૂવડાવવામાં આવ્યાં હતાં. - ડૉ. જયોતિ ગુપ્તા, સિવિલ સર્જન, રાજપીપળા

નવી સિવિલ હોસ્પિટલની ક્ષમતા 150 બેડની છે
રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલની ક્ષમતા 80 બેડની હતી પણ આ ઇમારત 103 વર્ષ જૂની હોવાથી હોસ્પિટલને નવી જગ્યાએ કાર્યરત કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલની ક્ષમતા 150 બેડની કરવામાં આવી છે. ગાંધીનગરથી આવેલી ટીમને હોસ્પિટલમાં દર્દીઓ આવી રહ્યાં છે તેમ બતાવવા ઓપીડીમાં પણ 150 કરતાં વધારે દર્દીઓ બતાવવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...