માનવતાસભર કાર્ય:નર્મદા જિલ્લાને ટીબી મુક્ત કરવા વૈષ્ણવ વણિક સમાજ દ્વારા પહેલ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળા શહેરના કુલ- 5 જેટલાં ટીબીના દર્દીઓને દત્તક લીધા
  • જિલ્લાને ટીબી મુક્ત બનાવીએ અને પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા કટિબદ્ધ​​​​​​​

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ-2025 સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને નર્મદા જિલ્લો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ટીબી દરદીઓને દત્તક લઇ દરદીઓને ન્યુટ્રીશન સપોર્ટ તેમજ સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવામાં સમયાંતરે ફોલોઅપ કરવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા વર્ષોથી સમાજ અને અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા “સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” દ્વારા રાજપીપલા શહેરના કુલ- 5 જેટલાં ટીબીના દરદીઓને દત્તક લઇને માનવતાસભર કાર્યને વધુ મજબુત કર્યું છે.

રાજપીપળાની સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ ગુંજન માલવીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારત દેશના નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી રહ્યા છે, ત્યારે આપણે સહુએ આપણું ઘર, પરિવાર, મહોલ્લાઓની સાથે ગામની અવશ્ય ચિંતા કરવી જ જોઈએ આપણે આગળ આવીશું અને એક બીજાને મદદરૂપ બનીશું તો ચોક્કસ આપણે કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકીશું.

જે સંદર્ભે અમે સમાજના બીજા આગેવાનો સાથે મળીને રાજપીપલા શહેર નર્મદા જિલ્લો ટીબી મુક્ત બને તે માટે રાજપીપલાના કુલ-5 દરદીઓની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી દત્તક લેવાનું નક્કી કર્યું છે. અમે જેટલાં પાંચ ટીબી દરદીઓની સમયાંતરે મુલાકાત કરી ફોલોઅપ કરીશું અને તેમને પોષણ મળી રહે તે માટે દર માસે પોષણયુક્ત આહારની કિટ્સનું પણ વિતરણ કરીશું. વધુમાં ગુંજન માલવિયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આવો આપણે સૌ ભેગા મળીને રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવીએ અને પ્રધાનમંત્રીના સપના ને સાકાર કરવા કટીબધ્ધ બનીએ.

અન્ય સમાચારો પણ છે...