બોટાદ બરવાળામાં બનેલા લઠ્ઠાકાંડમાં 55થી વધુના મોતને લઈને ગુજરાતની ભાજપ સરકાર હલી ગઈ છે. ત્યારે રાજ્યમાં દારૂ બંધી છતાં સૌથી વધુ દારૂની માંગ રાજ્યમાં હોવાથી દેશી દારૂથી થયેલા લઠ્ઠાકાંડને લઈને રાજ્ય સરકારે તમામ જિલ્લામાં દેશી દારૂના ગુના શોધવાની કવાયત હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં પણ દેશીદારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂના વ્યવસાય કરતા બુટલેગરો પર નર્મદા જિલ્લામાં તવાઈ બોલાવી હતી. પોલીસે જિલ્લામાં તમામ સ્ટેશનોમાં બે ત્રણ ટીમો બનાવી ગામેગામ દેશી દારૂ વેચતા હોય ત્યાં રેડ કરી તેમની સામે ગુનો નોંધ્યો હતો.
49 જેટલા દારૂ વેચનારાની ધરપકડ, જેમાં 40 જેટલી મહિલાઓ
નર્મદા જિલ્લામાં બે દિવસમાં નર્મદા પોલીસે 49 જેટલા દેશી દારૂના કેસો નોંધ્યા હતા. કોઈ પાસેથી 2 લીટર, કોઈ પાસેથી 3 લીટર, તો કોઈ પાસેથી 5 લીટર એમ કરતાં લગભગ 200 લીટર જેટલો દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે 49 જેટલા દારૂ વેચનારા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી, જેમાં 40 જેટલી મહિલાઓ છે.
બુટલેગરોમાં ફફડાટ પેસી ગયો
દેશી દારૂના આ કેસોમાં હાલ વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરોને રાહત મળી ગઈ છે. જો કે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સાંભળતા પ્રશાંત સુંબેએ રાજ્યની બોર્ડર એવી સાગબારા અને ડેડીયાપાડા બંને પોલીસ સ્ટેશનો પર સક્ષમ આધિકારીઓ મૂકી સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવી જ્યાંથી વિદેશી દારૂ પસાર કરવો અશક્ય બનાવી દેતા બુટલેગરોમાં ફફડાટ પેસી ગયો છે.
દેશી-વિદેશી દારૂના વ્યવસાયમાં 80 ટકા મહિલાઓ શામેલ
દેશી-વિદેશી દારૂના વ્યવસાયમાં 80 ટકા મહિલાઓ શામેલ છે. કેમ કે આ મોટાભાગની મહિલાઓ વિધવા-ત્યક્તા કે પછી પતિ દારૂડિયો હોય અને ઘરની જવાબદારી જે તે મહિલાના માથે હોય તે સરળ રસ્તો દેશી દારૂનો શોધી કાઢે કે ઘરમાં બે પાંચ લીટર બનાવી દે અને એના પર જ ઘર ચાલે. પાંચ લિટરમાં 500થી 600 રૂપિયા મળે અને મહિલા હોય એટલે બીજા કોઈ મગજમારી પણ ઓછી કરે એટલે નર્મદામાં સૌથી વધુ મહિલાઓ દેશી દારૂના ભઠ્ઠા ચલાવે છે અને દારૂ પણ વેચે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.