આયોજન:નર્મદા જિલ્લામાં 1.77 લાખ લોકોને કાર્ડ અપાયાં, 55 ટકા કામગીરી હજી બાકી

રાજપીપળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 લાખ લોકોની વસ્તી સામે 3.95 લાખને કાર્ડ આપવાનું આયોજન : 45 ટકા લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યાં

નર્મદા જિલ્લામાં 1.77 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડધારકો છે. આખા જિલ્લામાં 45 ટકા સરેરાશ કામગીરી થઈ છે. 6 લાખ લોકોની વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં 3.95 લાખ લોકોને કાર્ડ આપવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે. નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ પરિવારો તેમજ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહયાં છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો આદિવાસી જિલ્લામાં છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આયુષ્યમાન કાર્ડ વિતરણની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં 6 લાખની વસ્તી સામે 3,95,208 જેટલા લોકોને કાર્ડ આપવાનો નિર્ણય વહીવટીતંત્રએ કર્યો છે.

3.95 લાખના લક્ષ્યાંક સામે હાલ 1.77 લાખ લોકોને કાર્ડ આપી દેવામાં આવ્યાં છે. આમ જિલ્લામાં 45 ટકા લાભાર્થીઓ પાસે આયુષ્યમાન કાર્ડ આવી ગયાં છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે ધરે જઇને લોકોને આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કઇ રીતે કરવો તેની જાણકારી આપી રહી છે. નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની બહુલ વસતી હોવાથી આદિવાસી સમાજને આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી આપવામાં આવે છે.

3.95 લાખ કાર્ડનો લક્ષ્યાંક પ્રાપ્ત કરાશે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) હોય તો સામાન્ય વર્ગના પરિવારના લોકો પણ મોટી અને ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરાવી શકે છે. આ યોજના થકી સામાન્ય પરિવારને 5 લાખ સુધીની આરોગ્યલક્ષી સહાય આપવામાં આવે છે. નર્મદા જિલ્લામાં અમે ઘરે ઘરે જઇને લોકોને આયુષ્યમાન કાર્ડના લાભો વિશે લોકોને માહિતી આપી રહયાં છીએ. > ડૉ. વિપુલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, નર્મદા.

મારી કેન્સરની સારવાર ચાલે છે
આયુષ્યમાન કાર્ડ મારા માટે આર્શીવાદથી ઓછું નથી. હાલ મારી કેન્સરની સારવાર ચાલી રહી છે. સારવાર પાછળ 2.50 લાખ રૂપિયા જેટલો ખર્ચ થઇ ગયો છે. જો આયુષ્યમાન કાર્ડ ન હોત તો મારે સોનું કે મકાન ગિરવે મુકીને પૈસાની વ્યવસ્થા કરવી પડે તેમ હતું. > હિતેશ પટેલ, લાભાર્થી, રાજપીપળા

મને યોજનાનો લાભ મળ્યો
કોરોના કાળમાં મારા પાડોશીને ખાનગી દવાખાનામાં 9 લાખ રૂપિયા ખર્ચ થયો છતાં તેઓ બચી ના શક્યા નથી. મારી પાસે આયુષ્યમાં કાર્ડ હોય વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. > બેચર તડવી, લાભાર્થી, રાજપીપળા.

અન્ય સમાચારો પણ છે...