દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે 25 હજારની જનમેદનીની જંગી જાહેરસભા સંબોધી હતી. ડેડીયાપાડા આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભાએ ભાજપ, કોંગ્રેસ અને બીટીપીની ચિંતામાં વધારો કર્યો છે. ડેડિયાપાડામાં કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકાર ગુજરાતને લુંટી લીધી છે અને જનતાના બધા પૈસા ખાઈ ગઈ છે. ત્યારે 15 ડિસેમ્બરે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે 27 વર્ષમાં જેટલા પૈસા ખાધા છે એ બધા પૈસા એમના મોઢામાં હાથ નાખી પાછા કાઢીશું.
'આપ'ની ગુજરાતમાં 90 થી 92 બેઠકો આવશે: કેજરીવાલ
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, જનતા 27 વર્ષના ભાજપના શાસનથી કંટાળી ગઈ છે હવે બદલાવ માંગે છે. કેન્દ્ર સરકારે IB ના 10 અધિકારીઓને ગુજરાતની સ્થિતિ જોવા મોકલ્યા હતા. એમણે કેન્દ્રમાં એવો રિપોર્ટ કર્યો છે કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં 90 થી 92 બેઠકો આવે છે. ગુજરાતમાં સરકાર ખોટમાં ચાલે છે એમ નેતાઓ કહી રહ્યાં છે, પણ ગુજરાત સરકાર જનતા પાસેથી કરોડો રૂપિયા ટેક્ષ ઉઘરાવે છે, તો સરકાર ખોટમાં કેવી રીતે ચાલી શકે.
અમારા નેતા પૈસા ખાશે તો એમને જેલ ભેગા કરીશું
જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ભાજપ સરકારે 27 વર્ષમાં જેટલા પૈસા ખાધા છે એટલા પૈસા એમના મોઢામાં હાથ નાખી પાછા કાઢીશું. દરેક પૈસાનો હિસાબ માંગી જનતાના વિકાસ માટે ખર્ચ કરીશું. અમારા કોઈ પણ નેતા અથવા ચૂંટાયેલાં ધારાસભ્યો, સંસદ સભ્યો પૈસા ખાશે તો એમને જેલ ભેગા કરી દઈશું. સરકારી કામ માટે તમારે કચેરીએ નહીં જવું પડે પણ ફોન કરવાથી સરકારી કર્મચારી તમારા ઘરે આવી તમારું કામ પતાવી જશે. ગુજરાતના તમામ પરિવારની જવાબદારી અમારી સરકારની રેહશે.
ભાજપ કોંગ્રેસ વચ્ચે ઈલુ ઈલું: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમે પેસા એક્ટ અને 5 મી અનુસૂચિ લાગુ કરીશું. અમારી સરકાર આવ્યા પછી ગ્રામ સભાની મંજૂરી વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં એવી જોગવાઈ કરીશું. ભાજપ કોંગ્રેસ વચ્ચે ઈલુ ઈલું ચાલે છે, રાત્રે 12 વાગે ભાજપ કોંગ્રસના નેતાઓ મિટિંગ કરી આમ આદમી પાર્ટીને કેવી રીતે હરાવવી એની રણનિતી બનાવે છે.
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, નર્મદા જિલ્લા આમ આદમી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, નાંદોદના ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવા, ડેડીયાપાડાના ઉમેદવાર ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.