રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ખોડલધામ સંસ્થા દ્વારા હાયર એજ્યુકેશન સેન્ટર, નેચરલ થેરાપી સેન્ટર, 4 સ્ટાર અતિથિ ગૃહ અને મોટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે. એ આયોજનને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પાસ અગ્રણી અને ખોડલધામના કાર્યકર દિનેશ બાંભણીયા, રાજપીપલા એ.પી.એમ.સી ચેરમેન અને નર્મદા જિલ્લા ખોડલધામ કનવીનર દિનેશ પટેલ સહિત અન્ય પાટીદાર આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. બાદમાં કેટલીક જગ્યાએ ખાટલા બેઠકો કરી હતી.
ખોડલધામના નેજા હેઠળ હું કોઈ પણ એક પક્ષને સપોર્ટ કરું એ યોગ્ય નથી: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામના સંગઠનના હેતુથી આ પ્રવાસ કર્યો છે. દરેક જિલ્લા અને તાલુકાના અમારા કનવીનર સાથે ખાટલા બેઠક કરી સંગઠન વધુ મજબુત બનાવવાનો પ્રયત્ન છે. રાજનીતિ મુદ્દે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ ખુબ મોટો સમાજ છે. દરેક રાજકીય પક્ષમાં પાટીદાર સમાજ ફેલાયેલો છે એટલે અમારો સમાજ કોઈ એક પક્ષ સાથે રહે એવું કોઈ દિવસ ન બને. ખોડલધામના નેજા હેઠળ હું કોઈ પણ એક પક્ષને સપોર્ટ કરું એ યોગ્ય નથી. કોઈ પણ સમાજમાંથી સારા ઉમેદવાર ચૂંટાઈને આવે તો જ ગુજરાતનું ભલુ થશે, સારા લોકો ચૂંટાય એવી પ્રાર્થના કરીશ.
એકતા નગર ખાતે ખોડલધામ દ્વારા વિવિધ આયોજન તૈયાર કરાશે
પાસ અગ્રણી અને ખોડલધામના કાર્યકર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા 10 થી 15 એકર વિસ્તારમાં યુ.પી.એસ.સી, ડિફેન્સ, આર્મી, તબીબી ક્ષેત્રે પ્રવેશ માટે હાયર એજ્યુકેશન સેન્ટર બનાવવા જઈ રહ્યાં છીએ. સાથે સાથે 4 સ્ટાર અતિથિ ગૃહ, નેચરલ થેરાપી સેન્ટરનું નિર્માણ કરવાની યોજના છે. ભવિષ્યમાં આ વિસ્તારમા આરોગ્ય સુવિધા વધે એ માટે એક મોટી હોસ્પિટલનું પણ નિર્માણ ખોડલધામ દ્વારા કરવામાં આવશે. એ માટે અમારું પ્રતિનિધિમંડળ જમીનનું નિરીક્ષણ કરવા માટે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.