18મો પદવિદાન સમારોહ:રાજપીપળાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજની 2021થી 23ની બેચનો પદવિદાન; પાસીંગ પરેડ સાથે ડિગ્રી એનાયત કરાઇ

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની વન સંપ્રદાઓના સંરક્ષણ માટે કટીબદ્ધ વન વિભાગના અધિકારીઓને તૈયાર કરતી સમગ્ર દેશની 8 કોલેજો પૈકીની ગુજરાતની એક માત્ર રાજપીપળા સ્થિત ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનો 18મો પદવીદાન સમારોહ અને પાસીંગ પરેડ ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સના એસ.કે. ચદુર્વેદીની અધ્યક્ષતામાં આજે યોજાયો હતો. જેમાં દેશના ત્રણ રાજ્યોના 16 મહિલા સહિત કુલ-44 ફોરેસ્ટ ઓફિસર્સ વર્ષ 2021-2023ની બેચના 18 મહિનાની તાલીમ પૂર્ણ થતા તેઓને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે પદવી આપવામાં આવી હતી.

રાજપીપળાની આ રેન્જર્સ કોલેજમાં 8 જુલાઇ 2021થી શરૂ થયેલી બેચમાં મહારાષ્ટ્રના 39, હિમાચલ પ્રદેશના 04 અને તમિલનાડુના 01 મળી કુલ-44 રેન્જર્સ તાલીમાર્થીઓને જુદા-જુદા 19 જેટલાં વિષયોની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સિલ્વીકલ્ચર, વન પ્રબંધન, યુટીલાઇઝેશન, વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ, બોટની, વનસ્પતિ વિજ્ઞાન, સિવિલ એન્જીનીયરીંગ અને સર્વે જેવા મુખ્ય વિષયોનો સમાવેશ થાય છે. આધુનિકતાને ધ્યાને રાખીને કોમ્પ્યુટર સાયન્સ, રિમોર્ટ સેન્સીંગ અને ફોટોગ્રાફી જેવા વિષયો પર પણ ક્લાસ રૂમ અને પ્રવાસ થકી શિક્ષણ પુરુ પાડવામાં આવ્યું હતું. સાથોસાથ દેશના વિવિધ રાજ્યોના જુદા-જુદા જંગલ અભ્યારણ, નેશનલ પાર્ક અને વિવિધ વનની સંસ્થાઓની મુલાકાત સહિત વનને લગતી જુદી-જુદી ટ્રેનીંગ લોગીંગ એક્સસાઈઝ, વર્કીંગ પ્લાન એક્સસાઈઝ, સોશીયલ ઈકોનોમીક્સ સર્વે વગેરેનો પણ સમાવેશ થાય છે. આ તાલીમની સાથે-સાથે શરીર સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને, પીટી, પરેડ, સાઈકલીંગ, સ્વિમિંગ, જીમનાસ્ટીક, યોગાભ્યાસ વગેરે પણ આવરી લેવામાં આવે છે.

પદવીદાન સમારોહના પ્રારંભમાં તમામ 44 તાલીમાર્થીઓની પાસીંગ પરેડ યોજાઇ હતી. જેની મુખ્ય મહેમાન સહિત અન્ય ઉપસ્થિત અધિકારીઓએ સલામી ઝીલી હતી. ત્યારબાદ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ તાલીમાર્થીઓને તેમની પદવી એનાયત કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન યોજાયેલા પ્રવાસ દરમિયાન તાલીમાર્થીઓએ તેમના કેમેરામાં કન્ડારેલી તસ્વીરોનું પ્રદર્શન યોજાયું હતુ. જેને ખૂલ્લુ મુક્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ નિરીક્ષણ કરી ત્રણ શ્રેષ્ઠ તસ્વીરોને મેડલ જાહેર કરી તેમને પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં.

આ અવસરે ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ રાજપીપળાના આચાર્ય ડૉ. એસ.કે. બેરવાલે પણ 18 મહિનાની આ તાલીમ દરમિયાનની યાદગાર ક્ષણો અને અનુભવો વાગોળી સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે તાલીમી રેન્જર્સે પોતાના અનુભવોને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ વાગોળ્યા હતાં. ફોરેસ્ટ રેન્જર્સ તાલીમી ઓફિસર્સના 18માં પદવિદાન સમારોહમાં વડોદરાના CF ડૉ. અંશુમાન, નર્મદા જિલ્લા નાયબ વન સંરક્ષક નિરજકુમાર, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) મિતેશ પટેલ, રેન્જર્સ કોલેજના વાઇસ પ્રિનસિપાલ જે. જી. ચૌધરી, સંબંધિત વિભાગનાં અધિકારઓ તેમજ પદવીદાન મેળવનાર ઓફિસર્સના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...