રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો તથા પૂર્ણા યોજના અંતર્ગત નર્મદાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે કન્યા વિનય વિદ્યાલયના પટાંગણમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના અધ્યક્ષસ્થાને સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કિશોરીઓની સુરક્ષા, સશક્તિકરણ, આરોગ્ય-પોષણ-શિક્ષણનું મહત્ત્વ, ઘરેલુ હિંસાથી રક્ષણ તેમજ મહિલાઓના સર્વાંગી વિકાસ અંગે કિશોરીઓમાં સમજ કેળવવાનો ઉમદા આશય રહેલો છે.
પ્રચાર-પ્રસારની કામગીરી
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું આયોજન કરી કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. દેશમુખે તમામ સ્ટોલની મુલાકાત લઈ જે તે વિભાગોની કામગીરીની પ્રશંસા કરી હતી. આ સ્ટોલ થકી આરોગ્ય અને પોષણ અંતર્ગત કિશોરીઓનું હિમોગ્લોબિન, ઉંચાઈ અને વજનની ચકાસણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓના ઉપયોગ તેમજ પોષણ અંગેના પોસ્ટર અને બેનર દ્વારા બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી
આ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ નિલાંબરી પરમાર, નાંદોદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અશ્વિની વસાવા સહિત જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. પરમાર, જિલ્લા પોલીસ મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. પટેલ, બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર, અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ, બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર, કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટ, શાળાના આચાર્ય, શાળા પરિવારના તમામ સ્ટાફ સહિત સંબંધિત જિલ્લા-તાલુકાના સંબંધિત અધિકારી-કર્મચારીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.