હર્ષદ વસાવાનું શક્તિ પ્રદર્શન​​​​​​​:નાંદોદ વિધાનસભા બેઠક પરથી BJPએ ટિકિટ ન ફાળવતા ટેકેદારો સાથે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવીમાં આવી છે. બે ચરણમાં યોજાનાર ચૂંટણીના પગલે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત પણ મોટે ભાગે કરી દીધી છે. જેમાં ભાજપ પક્ષે 182 બેઠકોમાંથી 160 બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપે ઉમેદવારીનો કળશ ડો.દર્શનાબેન દેશમુખ પર ઢોળ્યો છે. જેથી ભાજપ પક્ષમાં દાયકાઓથી કામકાજ કરતા અને ટિકિટની આશા છેવતા હર્ષદ વસાવાને ટિકિટ ન મળતા તેમના સાથી કાર્યકરો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો. એ આજરોજ હર્ષદ વસાવાએ પોતાના ભારે જનસમર્થન સાથે શક્તિ પ્રદર્શન કરી, સરઘસ કાઢી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા નર્મદા જીલ્લાનું રાજકારણ ગરમાયું હતું.

ડો.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપતા કાર્યકરોમાં નારાજગી
નાંદોદ 148 વિધાનસભા બેઠક ઉપરથી ભાજપે ઉમેદવારીનો કળશ ડો.દર્શનાબેન દેશમુખ પર ઢોળ્યો છે. જેથી ભાજપ પક્ષમાં દાયકાઓથી પાર્ટીનું કામકાજ કરતાં કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હર્ષદ વસાવાના સાળાના નિવાસસ્થાને તેઓને ટિકિટ ફાળવવામાં ન આવતાં સહાનુભૂતિ વ્યક્ત કરવા કાર્યકરો અને તેમના ટેકેદારો પહોંચ્યાં હતા. સાથે હર્ષદ વસાવાને ટેકેદારોએ ચૂંટણીમાં ગમે તે ભોગે જંપલાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેઓ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ છે અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. જ્યારે તેઓનાં સ્થાને ભાજપે પસંદ કરેલા શબ્દશરણ તડવી એક વાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. જેથી આ વખતે હર્ષદ વસાવાને પાર્ટી ટિકિટ આપશેનું ચર્ચાયેલ હતું.

હર્ષદ વસાવાએ શક્તિ પ્રદર્શન કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી
જેથી આજરોજ હર્ષદ વસાવાએ પોતાના ભારે જનસમર્થન સાથે શક્તિ પ્રદર્શન કરી, સરઘસ કાઢી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. તેમની સાથે ઉમેદવારી નોંધાવવા પુર્વ નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, મહીલા આગેવાન ભારતીબેન તડવી, જુનારજનાં આદિવાશી આગેવાન ગોપાલ વસાવા, જીલ્લા પંચાયતના સદસ્ય કિરણ વસાવા, તડવી સમાજના આગેવાનો, ભીલ સમાજના આગેવાનો સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. હર્ષદ વસાવાએ આ તમામની હાજરીમાં અને જનસમર્થન સાથે શક્તિ પ્રદર્શન કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા નર્મદા જીલ્લાનું રાજકારણ ભારે ગરમાયું છે.

ભાજપની વોટબેન્કને નુકશાન જવાની સંભાવના
હવે હજી સુધી કોંગ્રેસ દ્વારા નાંદોદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. તો હર્ષદ વસાવાએ તેમનાં ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે. હવે એ જોવુ રહ્યું કે આગમી સમયમાં આની કેટલી અસર થાય છે. એક વાત નિશ્ચિંત છે કે હર્ષદ વસાવાની અપક્ષ ઉમેદવારીથી ભાજપની વોટબેન્કને નુકશાન જશે.

અન્ય સમાચારો પણ છે...