દીપડા પાંજરે પૂરાતા આંશિક રાહત:માંગરોળમાં વનવિભાગના કર્મચારીઓએ પાંજરામાં 2 દીપડા પકડ્યા; હજુ ત્રણ ફરતા હોવાની શક્યતાએ ફાફળાટ યથાવત

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા

નાંદોદ તાલુકાના વાવડી, કરાંઠા, થરી, લાછરસ, રામપુરા, માંગરોળ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ખેતરોમાં દીપડો દેખાતો હોવાથી ખેડૂતોમાં ભય ફેલાયો હતો. આ દીપડો કોઈવાર બેની સંખ્યામાં કોઈવાર ત્રણની સંખ્યામાં જોવા મળતા હતા. ખેતરોમાં તેના પગલાં પણ જોવા મળતા હતા. ત્યારે સ્થાનિક લોકોએ ગોરા રેન્જમાં ફરિયાદ કરતા ગોરા રેન્જ દ્વારા માંગરોળ ગામે મારણ મૂકી પાંજરા મુકવામાં આવ્યા હતા અને 2 દીપડાને પાંજરે પૂરવામાં આવ્યાં હતાં.

ગત રાત્રીના શિકારની શોધમાં બે દીપડાની જોડ મારણ સમજી પિંજરામાં ખાવા જતા પાંજરે પુરાયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં પાંચ જેટલા દીપડા ફરતા જોયા છે અને હાલ બે પુરાયા એટલે થોડી રાહત થઇ છે, પરંતુ હજુ બીક લાગે છે. વન વિભાગે આ ઝડપાયેલા દીપડાને સુલપાણેશ્વરના અભિયારણમાં હેમ ખેમ સુરક્ષિત જગ્યાએ ગીચ જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવશે.

માંગરોળના સતીશ ધોબીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા હું અને મારા પત્ની સ્કૂટર લઈને રાજપીપળાથી માંગરોળ તરફ જતા હતા. ત્યારે અમે દીપડો રોડની સાઈડ પર ઉભેલો જોઈને ગભરાઈને સ્કૂટર વળાવી ભાગ્યા હતા. થોડો સમય સુરક્ષિત અવર જવર વાળા વિસ્તારમાં ઉભા રહ્યા અને અમારી પાછળ કેટલાક લોકો બાઈકો લઈને આવતા જોઈ તેમને પૂછ્યું, ત્યારે જતા રહ્યા હશે એવી વાત કરતાં અમે ગભરાતા ગભરાતા માંગરોળ પહોંચ્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે, અહીંયા આ વિસ્તારમાં દીપડા ફરે છે. આજે મોબાઈલમાં વીડિયો જોયો કે, કેટલો ભયાનક દીપડો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઇ પિંજરા મુકતા આજે બે દીપડા ઝડપાયા છે જેથી લોકોને થોડી રાહાત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...