પાણીની આવક:4 વર્ષમાં પહેલીવાર જુલાઇ મહિનામાં નર્મદા ડેમની સપાટી 127 મીટરે પહોંચી

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા નીર આવી રહ્યાં હોવાથી ડેમની સપાટી વધી રહી છે. - Divya Bhaskar
નવા નીર આવી રહ્યાં હોવાથી ડેમની સપાટી વધી રહી છે.
  • ઉપરવાસમાંથી 3.19 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક : 24 કલાકે 1 મીટરનો વધારો
  • ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીથી માત્ર 11.33 મીટર દૂર, 15 દિવસમાં ભરાવાની વકી

મધ્યપ્રદેશમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ત્યાંના મોટાભાગના ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચી ગયાં છે ત્યારે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. નર્મદા ડેમની સપાટી 127.35 મીટરને સ્પર્શી છે જયારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જુલાઇ મહિનામાં ડેમની સપાટીએ છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

મધ્યપ્રદેશના ડેમો છલકાઇ ઉઠયાં છે ત્યારે કેવડીયા ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી પણ ઝડપથી વધી રહી છે. ઉપરવાસમાંથી હવે હજારોના બદલે લાખો કયુસેક પાણી આવી રહયું છે. ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં હોવાથી સરદાર સરોવરમાં 3.19 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે 48 હજાર કયુસેક પાણી વીજ ઉત્પાદનમાં વાપરવામાં આવે છે. પાણીની આવકની સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી દેવામાં આવ્યાં છે. રીવરબેડ પાવર હાઉસમાંથી આવતું પાણી નર્મદા નદીમાં ભળી રહયું હોવાથી નદીના જળસ્તર પણ વધી રહ્યાં છે.

છેલ્લા એક સપ્તાહથી નર્મદા ડેમ ખાતેના આરબીપીએચના 6 ટર્બાઇન ચલાવીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. કેવડિયા સ્થિત પાવરહાઉસમાં રોજની સરેરાશ રૂા.4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. વીજળીના ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થઇ છે.

ભરૂચ અને નર્મદામાં વહીવટી તંત્ર એલર્ટ
ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી ગયો છે. જો મધ્યપ્રદેશમાં વરસાદ નહી રોકાય તો ડેમ તેની 138.68 મીટરની સપાટી સુધી ઝડપથી પહોંચી જશે. આવા સમયે ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની ફરજ પડે તો નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઉભી થશે.

પાણી છોડવા અંગેની કોઈ સૂચના નથી
નર્મદા ડેમની સપાટી વધી રહી છે પણ પાણી છોડવા અંગે કોઇ સુચના મળી નથી. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહયાં છે અને એલર્ટ મોડમાં છે. જળ સપાટી અનુસાર જે પ્રમાણે કાર્યવાહી કરવાની થાય છે તેની પુરતી તૈયારીઓ છે. > ડૉ. તુષાર સુમેરા, કલેકટર, ભરૂચ

અન્ય સમાચારો પણ છે...