બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો:રાજપીપળાના સરદાર ટાઉનહોલ ખાતે 'તણાવમુક્ત પરીક્ષા માર્ગદર્શન' કાર્યક્રમ થકી 'એક્ઝામ વોરિયર્સ'નો ઉત્સાહ વધ્યો

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના “એક્ઝામ વોરિયર્સ” તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષાની અસરકારક, આયોજનબદ્ધ અને સમયમર્યાદામાં તૈયારી કરીને પરીક્ષા આપી શકે તે અંગે માર્ગદર્શન પુરુ પાડવાના ઉમદા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા સરદાર ટાઉનહોલ રાજપીપલા ખાતે “તણાવમુક્ત પરીક્ષા માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યું કે, બાળકોની સફળતા-અસફળતા શિક્ષકો સાથે સંકળાયેલી છે. બાળકોને સફળ બનાવવા માટે શિક્ષકો પોતાના સંપૂર્ણ પ્રયાસો કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરુ પાડે છે. મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સટાઈન, થોમસ આલ્વા એડિસન સહિતના તમામ વિદ્વાનો કે જેઓ અભ્યાસમાં શ્રેષ્ઠ ન હોવા છતાં વિશ્વ આજે તેમની કામગીરી, પ્રતિભા અને શોધોના લીધે યાદ કરે છે. માટે પરીક્ષામાં સારા ગુણો લાવવું એ વિદ્યાર્થીઓનું સાચુ મૂલ્યાંકન નથી, તણાવમુક્ત પરીક્ષા આપવું શ્રેષ્ઠ પર્યાય સાબિત થશે તેમ વધુમાં ભૂસારાએ ઉમેર્યુ હતુ.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયાના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાના નેતૃત્વમાં આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, જીવનના પ્રત્યેક પથ પરીક્ષાઓ સાથે સંકળાયેલ છે. તૈયારી પાકી હશે તો સફળતાનું ફળ મીઠુ જ મળશે. હાર-જીત એક સિક્કાના બે પાસા છે, તણાવમુક્ત માનસિકતા સાથે પરીક્ષા આપશો તો તમારી સફળતાના માર્ગ અવશ્ય ખુલશે.

કાર્યક્રમમાં ઉપસ્થિતિ વિવિધ વિષયના તજજ્ઞો અને મનોચિકિત્સક દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ, મેડિટેશન, હળવું સંગીત, મોટિવેશન સ્પીચ માટે મર્યાદિત સમય ફાળવવા તેમજ મોબાઈલને દૂર રાખી સકારાત્મક વિચારો સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવા સમજણ પુરી પાડી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોનો તથા તેમની મૂંઝવણો અંગે સુંદર અને ઉપયોગી ઉદાહરણો સાથે તજજ્ઞોએ યોગ્ય માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...