ભાજપમાં નારાજગી:નાંદોદ વિધાનસભા બેઠક પરથી પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટ ન મળતા કાર્યકરો અને ટેકેદારોમાં ભારે રોષ

નર્મદા (રાજપીપળા)24 દિવસ પહેલા

ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનાં 160 ઉમેદવારની જાહેરાત કરતાં નાંદોદ વિધાનસભા બેઠક માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતાં પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટ ફાળવવામાં ન આવતાં સમગ્ર જીલ્લાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. નાંદોદ 148-વિધાનસભા બેઠક માટેના ઉમેદવાર તરીકે ડો.દર્શનાબેન દેશમુખ પર પસંદગીનો કળશ ભાજપાએ ઢોળ્યો છે. જેથી પક્ષના જૂના અને દાયકાઓથી પાર્ટીનું કામકાજ કરતાં કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. હર્ષદ વસાવાના સાળાના નિવાસસ્થાને તેઓને ટિકિટ ફાળવવામાં ન આવતાં સહાનુભૂતિ વ્યક્ત કરતાં કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

ગમે તે ભોગે ચૂંટણીમાં જંપલાવવા માટે દબાણ
હર્ષદ વસાવાની બાદબાકી કરવાનું ભાજપા માટે કપરું પણ સાબિત થાય તો નવાઈ નહી! કારણ પણ સ્પષ્ટ છે કે, હર્ષદ વસાવાને ટેકેદારો ચૂંટણીમાં ગમે તે ભોગે જંપલાવવા માટે દબાણ કરી રહ્યા છે અને તેનું કારણ તેઓની બહુમુખી પ્રતિભા રહ્યુ છે. લોકો સાથે કાર્યકરો સાથેનો વાણી-વહેવાર મુખ્ય છે. તેઓ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ છે અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. જ્યારે તેઓનાં સ્થાને ભાજપાએ પસંદ કરેલા શબ્દશરણ તડવી એક વાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. જેથી આ વખતે હર્ષદ વસાવાને પાર્ટી ટિકિટ આપશેનું ચર્ચાયેલ હતું. પરંતુ ભાજપ સંગઠનના કેટલાક હોદ્દેદારો તેમજ આદિવાસી બેલ્ટના એક સાંસદ સાથે ગજગ્રાહ ચાલતો હોય જેથી તેમનાં દબાણમાં ટિકિટ કપાઈ હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે.

ક્યાં પક્ષ સામે ઝૂકશે તે આગામી સમય બતાવશે!
હવે હજી સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારના નામની નાંદોદ વિધાનસભાની ચૂંટણીમાં જાહેરાત કરવામાં આવી નથી. તો હર્ષદ વસાવા તેમનાં ટેકેદારો સાથે બળવો કરી કોંગ્રેસનું દામન ઠામશે કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝુકાવશે એ આગામી દિવસોમાં જોવું રહ્યું.

સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો
તેમના સમર્થકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને હર્ષદ વસાવાને ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચાના પ્રમુખ સહિત તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામાં ધરી ચૂંટણીમાં ઝૂકાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે થોડાક જ સમયમાં તમામ બાબતોની ખબર પડશે. જો હર્ષદ વસાવા અપક્ષ ઉમેદવારી પણ નોંધવે તો ભાજપએ નાંદોદ વિધાનસભા બેઠક પરથી હાથ ધોવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...