હોસ્પિટલના ઈન્સ્પેક્શનમાં પોલમપોલ:રાજપીપળા GMERS સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન સમયે ડમી દર્દીઓ મુકાયા; OPDમાં 150 દર્દીઓની જગ્યાએ 300 બતાવાયાં

નર્મદા (રાજપીપળા)14 દિવસ પહેલા
  • નર્સનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના હાથે ખોટા પટ્ટા લગાડવામાં આવ્યાં

બે દિવસ અગાઉ જ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી 103 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલને સ્થળાંતર કરીને વડીયા પેલેસ ખાતે આવેલ આયુર્વેદિક કોલેજના નવા બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હોવાના સમાચાર તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યા હતા અને હવે થી જનરલ હોસ્પિટલને GMERS સાથે એટેચ કરી દેવાઈ હોવાથી આ હોસ્પિટલ "મેડિકલ કોલેજ સનલગ્ન GMERS હોસ્પિટલ તરીકે ઓળખાશે અને ત્યાં દર્દીઓ ને અધ્યતન સુવિધાઓ મળશે એવી જાહેરાત જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને દર્દી બનાવી સૂવડાવી દેવામાં આવ્યાં
જેમાં મળતી માહિતી મુજબ ગાંધીનગરથી મેડિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા GMERS હોસ્પિટલ સનલગ્ન મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ અને આધારભૂત સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી હતી કે હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ આવી રહ્યા છે અને એડમિટ થાય છે, એવું ચિત્ર ઉપસાવવા રાજપીપળા નજીક આવેલ સરકારી સ્કૂલ ઓફ નર્સિંગ જીતનગરની 29 જેટલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને દર્દી બનાવી હોસ્પિટલના 4 અલગ-અલગ વોર્ડમાં સુવડાવી દેવામાં આવ્યાનો ઘટસ્ફોટ થયો છે.

પૂછપરછ કરાતા વિદ્યાર્થીઓ જવાબ ન આપી શક્યાં
આમારા પ્રતિનિધિ દ્વારા GMERS હોસ્પિટલમા સત્યતાની તપાસ કરવા જતા હોસ્પિટલના ત્રીજા માળે 2F મહિલા સર્જીકલ વોર્ડમાં એક સરખી વયની 11 જેટલી યુવતીઓ હોસ્પિટલ ના બેડ ઉપર સુતેલી જોવા મળી હતી, તેમને પૂછતાં તેમને પોતાની ઓળખ જીતનગર સરકારી નર્સિંગની વિદ્યાર્થીની તરીકે આપી હતી, તેમને પૂછ્યું કે શા માટે દાખલ થયા છો? તો તેમના તરફ થી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો, હાથ ઉપર પટ્ટીઓ શેની મારી છે તેમ પૂછતાં તેમણે મૌન ધારણ કરી લીધું હતું ફરજ પર હાજર વોર્ડ નર્સને બોલાવી પટ્ટી કાઢી બતાવવાનું જણાવતા ત્યાં દરેકના હાથે માત્ર શોભાની પટ્ટી હોવાનું અને વેઈનફ્લોમાં સોઈ ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

એજ રીતે 2F 96 નં રુમ ENT વોર્ડમાં પણ એક સરખી વયની 10 જેટલી યુવતીઓ દર્દીના બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું, તેમને પૂછતાં તેમણે પણ તેઓ જીતનગર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ હોવાનું જણાવ્યું હતું. એજ રીતે 2F 85 નંબરના પુરુષ સર્જીકલ વોર્ડમાં 3 જેટલા યુવાનો દર્દીના બેડ ઉપર સુતેલા જણાયા હતા, એ પૈકી એકને બોટલ ચડી રહી હતી. તેમને પૂછતાં તેમણે પણ પોતે જીતનગર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કબુલ્યું હતું. એજ રીતે ઓર્થોપેડિક વોર્ડમાં પણ 5 જેટલી એક સરખી વયની યુવતીઓ બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું, એમણે પણ પોતે જીતનગર નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ હોવાનું જણાવ્યું હતું.

યોગ્ય કાર્યવાહીની માગ
હવે સવાલએ ઉપસ્થિત થાય છે કે આવું કેમ કરવું પડ્યું? અને આના પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે? તો આ સવાલો ના જવાબ મેળવવા માટે જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જ્યોતિ ગુપ્તાનો રુબરુ સંપર્ક કરાયો પરંતુ તેઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારે આ મામલે કોઈ તપાસ થશે? અને આ તરકટ મામલે કોણ જવાબદાર? આ અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...