નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી સગીર દીકરીઓના અપહરણની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે હાલમાં વધુ એક દીકરીનું લગ્નની લાલચે અપહરણ થયું છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જંતર ગામમાં બનેલી ઘટનામાં ફરિયાદીના જણાવ્યા મુજબ મિતેષ છીદીયા વસાવા તેમના ઘર આગળથી ગઈ વહેલી સવારના એકથી બે વાગ્યાના વચ્ચેના કોઈ પણ સમયે તેમની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે મિતેષ વસાવા સામે ગુનો દાખલ કરી શોધખોળ આદરી છે.
નર્મદા જિલ્લામાં ઘણા સમયથી સગીર વયની દીકરીઓને ભગાડી જવાના કિસ્સા પોલીસ મથકે નોંધાઇ રહ્યા હોય એ બાબત ગંભીર અને ચિંતાજનક કહી શકાય ત્યારે હાલમાં પણ નાંદોદ તાલુકાના લાછરસ ગામની એક સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર લાછરસ ગામની એક સગીર વયની દીકરીને અજય જયેશ નામનો યુવાન સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ ગુનો કરતા દીકરીના પિતાની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે અજય તડવી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ તિલકવાડા તાલુકાની એક સગીર દીકરી પર લગ્નની લાલચે બળાત્કાર કરી ગર્ભવતી બનાવતા આ દીકરીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. માટે આવી અવાર નવાર બનતી ઘટનાઓ પર કાબૂ જરૂરી જણાઈ છે.
કમ્પ્યુટર્સ ચોરનારો ઝડપાયો...
રાજપીપળા બરોડા સ્વ-રોજગાર વિકાસની કચેરીમાંથી કોમ્પ્યુટર્સ સહિત સી.પી.યુ સાથેના 8 અંગ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ચોરાયેલા કમ્પ્યુટરની કિંમત આશરે રૂ.1 લાખ 20 હજાર આંકવામાં આવી રહી છે.આ અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.ચૌધરીએ ચોરી શોધવા અંગે સૂચના આપી હતી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ. લટા તથા રાજપીપળા પોલીસ સ્ટાફના માણસોએ સંસ્થામાં સફાઈ કરતા પટાવાળો જ ચોર છે તે સાબિત કરી દીધું હતું.
ચોરી કરનાર પટાવાળાનું નામ હેમચન્દ્ર વસાવા છે અને તે મોટી ચીખલી ખાતે મહારાજ ફળીયામાં રહે છે. તેણે આ ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. પોલીસ પૂછપરછમાં તેણે ચોરી કબૂલી હતી. પોલીસે સ્વ-રોજગાર વિકાસ સંસ્થાની ઓફિસમાંથી કોમ્પ્યુટર્સ સહિત સી.પી.યુ સાથેનો ચોરી કરેલો મુદ્દામાલ સાથે આરોપીને પકડી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.