ગંદકી દૂર કરવા વિદ્યાર્થીઓની માગ:ડેડીયાપાડામાં લાઈબ્રેરીની ફાળવાયેલી જગ્યા પર મૃત પશુઓના શરીર અને કચરો ફેંકાતાં પ્રાંત અધિકારીને આવેદન

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

ડેડીયાપાડા ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાને લઇ એક સરકારી લાઈબ્રેરી બનાવવા માટે 3 કરોડ 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. જેના માટે ડેડીયાપાડાથી પાનસર જતા રોડ પર સરકારી વિનિયન કોલેજ પાસે જગ્યા ફાળવી મોર્ડન કક્ષાની લાઈબ્રેરી બનાવવામાં આવશે.

કોલેજ જવાના રસ્તાની બાજુમાં કચરો ફેંકાતાં ગંદકી
જે જગ્યાએ લાઈબ્રેરી બનવાની છે તે જગ્યા પર કેટલાક ઈસમો દ્વારા મૃત પશુઓ તેમજ અન્ય કચરો ત્યાં ફેંકાતાં અત્યંત સુગ પમાડે એવી અને ત્યાંથી પસાર થતા લોકો તેમજ સરકારી વિનિયન કોલેજમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓનું માથું ફાટી જાય એવું દુર્ગંધ આવે છે. ડેડીયાપાડાથી પાનસર રોડ પર કોલેજ જવાના બે કિલોમીટરના રસ્તાની બાજુમાં કચરો ફેંકાતાં ખુબજ ગંદકી જોવા મળી રહી છે.

વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજૂઆતો કરાઈ
પશુઓના હાડકાં, પીંછા, પશુઓનો મળ વગેરે અહીં જ ઠલવાતા રસ્તા પરથી પસાર થનાર રાહદારીઓને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વ્યક્ત કરી છે. કોલેજ જતા વિદ્યાર્થીઓ આ રસ્તે પગપાળા જતા હોવાથી અહીં કચરો ફેંકવામાં ન આવે તેવી માંગ ઉઠી છે. કોલેજ સતાધીશો અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યા ત્યાંની ત્યાં જ છે.

ગંદકી દૂર થાય તેવી તીવ્ર માંગ ઉઠી
આ જગ્યાએ તાલુકા કક્ષાની લાઈબ્રેરી બનાવવામાં આવનાર છે. ત્યારે શુ આવા ગંદકી વાળા ખરાબ વાતાવરણમાં લાઈબ્રેરીમાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે? શુ આ સમસ્યાનું કાયમી નિરાકારણ કરવામાં આવશે? કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સતાધીશો દ્રારા અનેક વખત જે તે ક્ચેરીને પત્ર દ્રારા જાણ કરવામાં આવેલ છે. પરંતુ જે તે સત્તાધીશો દ્રારા આ પ્રશ્નનો નિકાલ આજ દિન સુધી થયેલ નથી તેથી અમો કોલેજના સમસ્ત વિધ્યાર્થીઓ દ્વારા આવેદન પત્ર પાઠવી પ્રાંત અધિકારીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ જગ્યા પર ડેડીયાપાડા તાલુકાની આધુનિક કક્ષાની લાઈબ્રેરી પણ બનવાની છે ત્યારે આ ગંદકી દૂર થાય તેવી તીવ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...