ધાનપોર ગામના સરપંચના પતિ સહીત સાત શખ્સોએ પંચાયતનું પાણી ખેતરમાં વાળવા અટકાવતી દલિત આદિવાસી મહિલા સહિત પરિવાર પર કેટલાક શખ્સોનો હુમલા સામે પોલીસે રાયોટીંગ, એટ્રોસીટી એક્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વીડિયો વાયરલ થતા પોલીસે કડક તપાસ કરી હતી. પંચાયતના પીવાના પાણીને પ્રાધાન્ય આપવાની જગ્યાએ સરપંચના પતિએ ખેતી માટે પાણીનું કેનેક્શન આપ્યું એ ગેરવ્યાજવી છે. સરપંચ સામે પણ પગલાં ભરાય એવી શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના ધનપોર ગામના પરમાર ફળિયામાં રહેતા એસૂદાબેન જયેશ પરમારની પત્ની અને હાડકીયા વસાવાની પુત્રી પોતાના પરિવાર સાથે રહેતી હતી. ગામમાં રહેતા એક ખેડૂત આશિષ કંચન પટેલે પંદર દિવસ પહેલા પોતાના ખેતરમાં કરેલા દિવેલાના પાકમાં પાણી લેવા માટે નવું કનેક્શન ગામના પરમાર ફળિયામાં જે પાણીની પાઇપ લાઇન જતી હોય તેમાં વાલ્વ બેસાડી લીધો હતો.
જે ખેતરમાં પાણી લેવા માટે પાઇપ લાઇનનો વાલ્લ અડધો કરતા પરમાર ફળિયામાં જતું પંચાયતનું પાણી નળ કનેક્શનમાં બરાબર આવનું ન હતું. એટલે એક ખેડૂતને કારણે આખું ફળિયું પાણીના વલખા મારવા લાગ્યું હતું. એટલે એસૂદાબેને સરપંચના પતિ અમલેશ વસાવાને ફોન કરીને રજૂઆત કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો નહિ.
જેથી મહિલા એ ખેતરમાં જતું પાણી અટકાવી વાલ્વ બંધ કરી દીધો હતો. એટલે ખેતરમાં પાણી જતા બંધ થતા આશિષભાઇ ધુંઆપુંઆ થઇ ગયા અને સાથી મિત્રો સાથે સરપંચના પતિને લઈને દલિત આદિવાસી મહિલા અને તેના પરિવારને મારવા એક સંપ થઇ મારક હથિયારો લઈને આવ્યા હતા. જેમાં આશિષ કંચન પટેલ, અમલેશ મનુ વસાવા, પિયુશ મહેશ પટેલ, મનોજ જેન્તી પટેલ, મિતેશ જેન્તી પટેલ, દિપક કાલિદાસ પટેલ અને પાર્થ શાંતિલાલ પટેલ આ તમામ એકસંપ થઈ ફરિયાદીને જાતિવિષયક તેમજ ભૂંડા અપશબ્દો બોલી અપમાનીત કરી લાકડીના સપાટા માર્યા હતા.
આ સાથે ફરીયાદી બેનના માથાના વાળ પકડી ખેંચી લાતો મારી ગડદાપાટુનો મારમાર્યો હતો. ફરિયાદી બેનને છોડાવવા સાસુ સસરા તથા પતિ જયેશભાઈ પરમાર વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. હુમલાખોરોથી બચવા પરિવાર ઘરમાં પુરાઈ દરવાજો બંધ કરી દીધો હતો. જોકે માર મારતા હોવાનો ડંડો લઈને અપશબ્દો બોલી ખુલ્લી દાદાગીરી કરતા હોવાનો વીડિયો ઉતારતા ઘરમાં ઘૂસી ઈંટો અને ડંડા લઇ ટીવીને પણ નુકસાન કર્યું હતું. જે બાબતની રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા રાજપીપળા ટાઉન પીઆઇ આ સાત વિરુદ્ધ રાયોટીંગ અને એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.