અકસ્માતમાં પરિવાર વિખેરાયો:નેત્રંગમાં ખાડાથી બચવા સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ડેમની ખાડીમાં ખાબકી; નિવૃત્ત પોલીસ અધિકારીનાં પુત્ર-વહુ-પૌત્રી મોતને ભેટ્યાં

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

ભરૂચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઊબડખાબડ માર્ગને કારણે આખેઆખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ પરના ખાડાથી બચવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને એમાં બેઠેલાં પતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.

રાતનો સમય હોવાથી કોઈ બચાવવા ન જઈ શક્યું
ખાડીમાં પાણી વધુ હોવાથી કારમાં સવાર ત્રણેય વ્યક્તિ ડૂબવા લાગી હતી. બચવા માટે બુમરાણ તો મચાવી, પરંતુ રાત્રિના સમયે કોઈ મદદે આવી શકે એમ નહોતું અને ત્રણેય વ્યક્તિનાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં હતાં. બનાવ અંગે જાણ થતાં જ નેત્રંગ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. ઘટના અંગે સંદીપભાઈના પિતા લવઘન વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતમાં જીવ ગુમાવનારાં પતિ-પત્ની અને પુત્રી.
અકસ્માતમાં જીવ ગુમાવનારાં પતિ-પત્ની અને પુત્રી.

રાજપીપળામાં રહેતા પરિવાર પર એકાએક આભ ફાટ્યું
વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ. વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપકુમાર વસાવા, તેની પત્ની યોગિતા અને 3 વર્ષની પુત્રી મહી ત્રણેય નેત્રંગ ખાતે રહેતાં હતાં. યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતાં હતાં. ગત રાત્રિના હોટલમાં જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રમણપુરા ખાતે બ્રિજ પાર રસ્તો ખૂબ ખરાબ હોવાથી કાર ચલાવતા સંદીપે ખાડાથી બચવા જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બ્રિજ નીચે કાર ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી.

ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

વડિયા ગામ હીબકે ચઢ્યું
ઘટનાની જાણ રાજપીપળામાં થતાં પરિવારના સભ્યો નેત્રંગ ખાતે દોડી ગયા હતા અને નાના દીકરાનો પરિવાર વિખેરાઈ જતાં વડિયા ગામ હીબકે ચઢ્યું હતું. સવારે રાજપીપળા વડિયા ખાતે આવેલી દેવનારાયણ સોસાયટીમાંથી એકસાથે પિતા, માતા અને પુત્રી એમ એક પરિવારના ત્રણ સભ્યોની એક સાથે મૃતદેહો જોઈ ગામ આખું હીબકે ચઢ્યું હતું. ત્યારે તેમની અંતિમ યાત્રામાં જોડાવા મોટી સંખ્યામાં લોકો તેમના રહેઠાણ ખાતે ઊમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...