નર્મદા જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:નાંદોદ બેઠક પર ભાજપના ડૉ.દર્શના અને દેડીયાપાડા બેઠક પર AAP ના ચૈતર વસાવાની ભવ્ય જીત

નર્મદા (રાજપીપળા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2022 અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ 148-નાંદોદ (અ.જ.જા) અને 149-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની તા.01 લી ડિસેમ્બર, 2022ના રોજ યોજાયેલી ચૂંટણીના મતદાનની મત ગણતરી આજે તા.08મી ડિેસેમ્બર,2022ને ગુરૂવારના રોજ રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે હાથ ધરાઇ હતી. જેમાં નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ.દર્શના ચંદુભાઇ દેશમુખ (વસાવા)ને સૌથી વધુ 70,543 મત અને દેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઇ દામજીભાઇ વસાવાને સૌથી વધુ 1,03,433 મત મળતા તેઓ વિજેતા જાહેર થયેલ છે.

23 રાઉન્ડમાં મત ગણતરીની કામગીરી
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલામાં ઉક્ત મત ગણતરી કેન્દ્ર ખાતે નાંદોદ બેઠકની મત ગણતરી માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણીપંચના નિરીક્ષક ટી.વી સુભાષ અને દેડીયાપાડા બેઠકની મત ગણતરી માટે નિમાયેલા નિરીક્ષક ઉમેશ પ્રકાશ શુકલાના નિરીક્ષણ હેઠળ અને બન્ને બેઠકના ચૂંટણી અધિકારીઓ અનુક્રમે શૈલેષ ગોકલાણી તથા આનંદ ઉકાણીની ઉપસ્થિતિમાં આજે નાંદોદ માટે 22 રાઉન્ડમાં અને દેડીયાપાડા માટે 23 રાઉન્ડમાં મત ગણતરીની કામગીરી કરવામાં આવી હતી.

નોટામાં 3,104 મત પડ્યાં
નર્મદા જિલ્લાની 148-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની બેઠકની મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. દર્શના ચંદુભાઇ દેશમુખ (વસાવા) ને કુલ-70,543 મત, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઇ જયંતિભાઇ વસાવાને કુલ-42,341 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. પ્રફુલભાઇ દેવજીભાઇ વસાવાને કુલ-24,463 મત, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર મહેશભાઇ સરાદભાઇ વસાવા (મનાભાઇ) ને કુલ-1,704 મત અને અપક્ષ ઉમેદવાર હર્ષદભાઇ ચુનીલાલ વસાવાને કુલ-35,362 મત મળેલ છે. જ્યારે નોટાને 3,104 મત મળેલ છે અને 280 મત રદ થયેલ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.

761 મત રદ થયેલ હોવાની વિગતો
તેવી જ રીતે દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની બેઠકમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર જેરમાબેન સુકલાલ વસાવાને કુલ-12,587 મત, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઇ વસાવાને કુલ-63,151 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઇ દામજીભાઇ વસાવાને કુલ-1,03,433 મત અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર બહાદુરસીંગ દેવજીભાઇ વસાવાને કુલ-2,991 મત મળેલ છે. જ્યારે નોટાને 2,974 મત મળેલ છે અને 761 મત રદ થયેલ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...