ચૂંટણીનો માહોલ:નાંદોદમાં ભાજપને ભાજપનો ડર, દેડિયાપાડામાં આપ ખેલ બગાડશે

નર્મદા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મોંઘવારી, રોજગાર, રસ્તાઓના મુદ્દે આદિવાસી યુવાનોમાં ગુસ્સો
  • દેડિયાપાડામાં ચતુષ્કોણીય જંગ, નાંદોદમાં 81 હજાર તડવી મત નિર્ણાયક પુરવાર થઈ શકે છે

સત્તારુઢ ભાજપ માટે આ વખતે નર્મદા જિલ્લાની બે વિધાનસભા સીટ નાંદોદ અને દેડિયાપાડા પર કબજો કરવો આસાન નહીં રહે. અહીંના આદિવાસી મતોને આકર્ષવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દેડિયાપાડામાં આવી ચૂક્યા છે. જિલ્લાના વિસ્તારોમાં વડાપ્રધાન મોદીની પણ સભાઓ છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને અડીને આવેલા આ વિસ્તારના કેવડિયામાં પ્રવાસીઓનું આગમન જારી છે. પણ ચૂંટણીનો માહોલ હજુ ઠંડો છે.

નાંદોદમાં ભાજપના બાગી ઉમેદવાર હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ ભાજપના ઉમેદવાર ડૉ.દર્શના દેશમુખ અને કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવા માટે મોટો પડકાર છે. દેડિયાપાડામાં હાલના બીટીપી ધારાસભ્ય મહેશ વસાવા માટે પણ પડકાર ઓછા નથી. વસાવા સીટ બદલવાના પ્રયાસમાં મેદાનમાં ઉતરવાનું ચૂકી ગયા તો તેમની સાથે ફરત બીટીપી પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવાએ આપમાં ભળીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે. અહીં બીટીપીમાંથી આવેલા ભાજપ ઉમેદવાર હિતેશ વસાવાને તેમની જ પાર્ટીમાંથી પડકાર મળી રહ્યા છે. કોંગ્રેસના જેરમાબેનને મિશનરી પ્રભાવને કારણે ગામડાઓમાં ખાસ કરીને મહિલાઓમાં આવકાર મળી રહ્યો છે.

નાંદોદમાં અપક્ષ, દેડિયાપાડામાં કોંગ્રેસના ઉમેદવાર ગેમ ચેન્જર

નાંદોદ, 58% આદિવાસી મતદાર
2.35 લાખ મતદારો છે. જેમાં 1.29 લાખ (58%) આદિવાસી છે. આ બેઠક પર પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપની ટિકિટના દાવેદાર હતા. પાર્ટીએ બન્નેને કોરાણે રાખીને ડૉ.દર્શના દેશમુખને ટિકિટ આપી છે. 2007માં દર્શનાબેન ભાજપના હર્ષદ વસાવા સામે અપક્ષ લડ્યા હતા. ત્યારે તેમને માત્ર 2 હજાર વોટ મળ્યા હતા. આ વખતે સ્થિતિ અલગ છે. દર્શનાની સામે હર્ષદ અપક્ષ છે. પણ જનતા પર હર્ષદ વસાવાનું સારું વર્ચસ્વ છે. અહીં 81 હજાર તડવી અને 17 હજાર વસાવા આદિવાસી છે. તડવી મતો વધારે હોવાથી તેઓ નિર્ણાયક પુરવાર થશે.

દેડિયાપાડા, 84% આદિવાસી મતદાર
અહીં 2.22 લાખ મતદારો છે. જેમાં 1.91 લાખ (84 ટકા) આદિવાસી છે. અહીં મોટી પાર્ટીઓ માટે પડકારજનક સ્થિતિ છે. ભાજપના હિતેશ વસાવા, કોંગ્રેસના જેરમાબેન, આપના ચૈતર વસાવા અને બીટીપીના બહાદુર વસાવા વચ્ચે ચતુષ્કોણીય જંગ છે. વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા ઉમેદવારી નોંધાવી શક્યા નથી. એટલે તેમના વિશ્વાસુ ચૈતર વસાવા આપમાંથી મેદાનમાં છે. જૂની પાર્ટીઓથી નારાજ આદિવાસી અને યુવાનો ચૈતરને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. કોંગ્રેસે જેરમાબેનને ઉતાર્યા છે. તેઓ મહિલા સ્વસહાયતા જૂથ દ્વારા 4 હજાર મહિલાઓ સાથે સંકળાયેલા છે. બીટીપીમાંથી આવેલા ભાજપના હિતેશ વસાવા આંતરિક ખેંચતાણ સામે ઝઝૂમી રહ્યા છે.

અહીંના મુદ્દા શું છે?
દેડિયાપાડાના રમેશ વસાવા જણાવે છે કે વીજળી ચાલી જાય તો ઘણીવાર 15 દિવસ સુધી આવતી નથી. મનરેગામાં પણ રોજગાર મળતો નથી. ભ્રષ્ટાચાર પણ વ્યાપક છે. લોકોને હિજરત કરવાની ફરજ પડે છે. બીજી તરફ કેવડિયામાં 12 ગામોમાં ખેડૂતો જમીનોનું પૂરતું વળતર નહીં મળવાથી નારાજ છે. તિલકવાડાના સીરા ગામના લોકો આ માટે મહિનાઓથી આંદોલન કરે છે. ચૂંટણી છતાં એકપણ નેતા તેમને મળ્યા નથી. સાથે જ મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો પણ છે.

અન્ય સમાચારો પણ છે...