નર્મદા જિલ્લાના ગરુડેશ્વરની રોશની હાઈસ્કૂલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોર્ચાની જાહેરસભા યોજાઈ હતી.જેમાં ભાજપ આદિજાતિ મોર્ચાના રાષ્ટ્રિય અઘ્યક્ષ સમીર ઉરાવ, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતી મોર્ચા અધ્યક્ષ હર્ષદ વસાવા, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષા બેન સુથાર, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, મહામંત્રી વિક્રમ તડવી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ જાહેરસભાને સંબોધતા ભાજપ આદિજાતિ મોર્ચાના રાષ્ટ્રિય અઘ્યક્ષ અને ઝારખંડથી રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવે જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી આદિવાસીઓનું કોંગ્રેસ દ્વારા માત્ર શોષણ કરવામાં આવ્યું હતું. જ્યારથી દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી ભાજપ આદિવાસીઓની પડખે ઉભું રહ્યું છે.
નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકાસના ઘણા કાર્યો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કેટલાક વિપક્ષના લોકો આદિજાતિના લોકોને ભરમાવાનું કાર્ય કરે છે. આ વિપક્ષના લોકોથી દૂર રેહવાની પણ વાત રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવે કરી હતી.
આ સભામાં કોંગ્રેસ વધુ તૂટી હતી, ગરુડેશ્વર તાલુકાના 500 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવ અને મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સુમેરસિંહ સોલંકી સહિત અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં નાંદોદ વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.