ઠેર ઠેર પદયાત્રીઓ:ભાદરવા દેવના ચરણોમાં કાગળના ઘોડા અર્પણ કરવાની ચાલતી પરંપરા

રાજપીપળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના ભાદરવા ગામમાં ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. - Divya Bhaskar
નર્મદા જિલ્લાના ભાદરવા ગામમાં ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.
  • ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટયાં

નર્મદા જિલ્લાના ભાદરવા ગામમાં ભાથીજી મહારાજના મંદિરે ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે. બે વર્ષ બાદ યોજાઇ રહેલાં મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આદિવાસી સમાજના લોકો શ્રધ્ધાભેર આવતાં હોય છે અને હાલ ભાદરવા ગામ તરફ જતાં માર્ગો પણ ઠેર ઠેર પદયાત્રીઓ નજરે પડી રહયાં છે.

કારતક સુદ ચૌદસ અને પુનમના દિવસે નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજનો મેળો દર વર્ષે ભરાય છે. સોમવારના રોજથી મેળાનો પ્રારંભ થઇ ચુકયો છે. આ મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાનું શરૂ થઇ ચુકયું છે. આદિવાસી સમાજના લોકો કાગળ તથા કામળીના ઘોડાઓ સાથે આવે છે અને ભાથીજી મહારાજના ચરણોમાં અર્પણ કરે છે. ભાદરવા ઉપરાંત ફાગવેલમાં પણ ભાથુજી દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઘોડાઓ ચઢાવે છે.

કોરોનાને કારણે બે વર્ષથી ભાદરવા દેવનો મેળો બંધ રાખવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે મેળો ભરાવાનો હોવાથી શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ ભાદરવા ગામ તરફ જઇ રહયો છે. પગપાળા જતાં શ્રધ્ધાળુઓ માટે સ્થાનિક સેવાભાવીઓએ ભંડારાનું પણ આયોજન કર્યું છે. નર્મદા જિલ્લાના જ વિવિધ ગામોના 100 જેટલા સંઘો ફાગવેલ અને ભાદરવા દેવ દર્શન કરવા આવે છે. કેટલાક યુવાનો મહિલાના વેશમાં પગપાળા ચાલીને આવવાની બાધા પણ રાખતા હોય છે. બે દિવસ સુધી ચાલનારા મેળામાં ચાર લાખથી વધારે શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે.

મેળાને અનુલક્ષીને વાહનોને ડાયવર્ઝન
રાજપીપલાથી બોડેલી તરફ જતા ભારે વાહનો પોઇચા થઇ ડાયવર્ટ થશે. બોડેલીથી રાજપીપલા આવતા ભારે વાહનો ગેંગડીયા-વજેરીયા, ઉતાવળી થઇ ડભોઇ-વેગા બાજું ડાયવર્ટ થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ દંડને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...