ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા, આઉટ રીચ બ્યુરો સુરત તથા આઈ.ટી.આઈ. વાગડીયાના સંયુક્ત ઉપક્રમે યુવા ઉત્સવ-2023નું જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નહેરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર મનીષાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નહેરૂ યુવા કેન્દ્રના અધિકારી વી.બી. તાયડે, ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઝાલા, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સભ્ય પ્રેમપ્યારી તડવી અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શપથ ગ્રહણ કર્યા હતા.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવાએ નર્મદા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા યોજાઈ રહેલા યુવા ઉત્સવ 2023ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દેશમાં 150 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના પાંચ જિલ્લાઓ પૈકીના નર્મદા જિલ્લામાં યોજાયેલા યુવા ઉત્સવનો શ્રેય સાંસદને જાય છે. યુવાનોમાં પડેલી સુશુપ્ત શક્તિને બહાર લાવવાનું આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે. તેના થકી યુવાનોની પ્રતિભાને વિકસવાની તક મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ખેલ મહાકુંભ દ્વારા દેશને અનેક હોનહાર ખેલાડીઓ મળ્યા છે. તેમાં ડાંગ જિલ્લાની યુવા ખેલાડી સરિતા ગાયકવાડનો સમાવેશ થાય છે. યુવાનોને અપિલ કરતા જણાવ્યું કે, તમારામાં પડેલી શક્તિને દેશ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવું જરૂરી છે. સાથે સાથે રોજગાર, કૌશલ્ય વર્ધન થકી આત્મનિર્ભર તરફ આગળ વધવા અપિલ કરી હતી.
ગાંધીનગર નહેરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર મનિષા શાહે જણાવ્યું કે, આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને જી-20નું યજમાન પદ ભારતે લીધું છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને લોકજાગૃતિ અંગે યુવાઉત્સવ થકી કામ થઈ રહ્યું છે. યુવાનોના હાથમાં મોબાઈલ હોય છે. પણ તેનો સદઉપયોગ કરીને પોતાના કારકિર્દી ઘડવા અપિલ કરી હતી અને દેશની આઝાદીમાં યોગદાન આપનાર હીરોને પણ યુવાપેઢી ઓળખે સમજે અને તેના વિશે માહિતગાર થાય તે આવશ્યક છે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, આઉટ રીચ બ્યુરો, પ્રાદેશિક કચેરી સુરત દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ-સંકલ્પથી સો ટકા સિધ્ધિ વિષય પર એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં રાજ્ય સરકારના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી સહિત બર્ક ફાઉન્ડેશન, અદાણી ફાઉન્ડેશન સહિત વિવિધ પ્રદર્શન સ્ટોલ્સ દ્વારા યુવાનોને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરીને જાગૃત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.