સરકારી બાબુઓ વચ્ચે ફફડાટનો માહોલ:તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં સરકારી કામગીરીમાં ભ્રષ્ટાચાર, 24 અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

નર્મદા (રાજપીપળા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના રાજપીપળાના તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં સરકારી કામગીરીમાં ભ્રષ્ટાચારની બાબત સામે આવી છે. આ ભ્રષ્ટાચારમાં તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના ટીડીઓથી માંડીને સુપરવાઈઝર તલાટીઓ સહિત કુલ 24 જેટલા આધિકારીઓ અને કર્મચારીઓ સપડાયેલા હોવાનું સામે આવ્યું છે. તેઓએ કેટલાક કામોમાં સરકારી કામગીરી નહિ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ સરકારી બાબુઓ સામે DRDA ડાયરેક્ટર જી.કે.જાદવે ફરિયાદ નોંધાવી છે. ગરુડેશ્વર અને તિલકવાડા બાદ નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારાની તપાસ ચાલુ થતા નર્મદા જિલ્લાના તમામ આધિકારીઓમાં ફાફળાટ વ્યાપી ગયો છે. પોલીસ તપાસ ચાલુ કરે એ પહેલા કેસને ઢીલો કરવા આધિકારીઓની દોડધામ વધી ગઈ છે.

આ શોકપીટનું પણ કામ પૂર્ણ કર્યું નહતું
મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના નાસરી અને મીઠીવાવ ગામે સામુહિક શોકપીટનું કામ કરવાનું હતું, જે કામગીરી કોઈ કરી નહિ. જ્યારે તિલકવાડા તાલુકાના આમલીયા અને હિંમતપુરા ગામમાં પણ સામૂહિક શોકપિટનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ આ શોકપીટનું પણ કામ પૂર્ણ કર્યું નહતું. તિલકવાડામાં 9 આધિકારી કર્મચારીઓ અને ગરુડેશ્વરમાં 15 આધિકારીઓ અને કર્મચારીઓના નામે સામે આવ્યા છે. જ્યારે તપાસ દરમિયાન અન્ય નામ ખુલે તો નવાઈ નહીં.

સાથે રહીને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો
આ કામ સાથે સંકળાયેલાઓએ સાથે રહીને ગુનાહિત કાવતરું કરીને સરકાર સાથે વિશ્વાસઘાત કરીને કામ પૂર્ણ નહીં કરેલ હોવા છતાં, કામ પૂર્ણ થયેલ હોવાનું બતાવી ખોટા પ્રમાણપત્રો તેમજ બિલ બનાવીને તિલકવાડા તાલુકામાં 2 લાખ 97 હજાર 928 અને ગરુડેશ્વર તાલુકામાં 3 લાખ 92 હજાર 627ના ખોટા બિલો બતાવી સરકાર પાસેથી રકમ મેળવી હતી. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

તમામની ધરપકડ કરી જરૂરી પુછપરછ કરશે
આ બંને તાલુકાઓના કુલ 24 જેટલા આધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પોલીસે કલમ 406 / 409 / 465 / 466 / 467 471 / 477 / એ 120 મુજબ તિલકવાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ડીવાયએસપી વાણી દુધાતના સુપરવિઝન હેઠળ તિલકવાડા પીએસઆઇ એ.જી.ખોથ અને ગરુડેશ્વર પીએસઆઇ પી.એમ.પરમાર તપાસ હાથ ધરી તમામની ધરપકડ કરી જરૂરી પુછપરછ કરશે.

અન્ય સમાચારો પણ છે...