નર્મદા ક્રાઈમ ન્યૂઝ:તિલકવાડા ગરુડેશ્વરના શોકપીટ કૌભાંડના આરોપીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી; નાંદોદની સગીરાને બે વર્ષ પછી ન્યાય મળ્યો

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલેલા પોકસો કેસ સરકારી વકીલની દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને 3 વર્ષની કેદ આને 2500 રૂપિયા દંડ ફટકાર્યો હતો. જ્યારે રુડેશ્વર અને તિલકવાડા વિસ્તારમા શોકપીટ કૌભાંડ આચરનારા આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.

આગોતરા જામીન અરજી કરી
તો બીજી બાજુ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ તમામ ફરાર આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હોવાનું તથા આ બાબતની જાણ કરતી લેખીત રજુઆત ગરુડેશ્વર અને તિલકવાડા પોલીસ મથકમાં કરી છે. હવે એ જોવાનું રહ્યું છે કે એડિશનલ કલેકટર ક્લાસ 1 કક્ષાના અધિકારી જ્યારે સરકારી નાણાંના ઉચાપત થયા હોવાની ફરિયાદ તાલુકાના સક્ષમ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્ધ કરતા હોય ત્યારે હાઈકોર્ટ એમની આગોતરા જામીન અરજી મંજૂર કરે છે કે કેમ.

સગીરાને બે વર્ષ પછી ન્યાય મળ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની સગીરા પર નાંદોદના ગાડીત ગામના નીશાળ ફળિયામાં રહેતા 21 વર્ષીય અનિલ અમ્રત વસાવાએ ગત 16 સપ્ટેમ્બર 2020ના રોજ સાંજના અરસામાં સગીરાના ઘર પાસે અપશબ્દો બોલ્યા હતા. જે પછી સગીરાને ઘરની બહાર જોઈને તને હું રાખવાનો છું તેવા અશ્લીલ શબ્દો બોલી ફરીયાદીને બાથમાં લઈ વાળ પકડી ખેંચતાણ કરી હતી. આરોપીની હરકતોથી ગભરાઈ જઈ સગીરાએ બુમરાણ મચાવી હતી. બુમાબુમ સાંભળી સગીરાની માતા તથા તેની સાથેની અન્ય એક મહિલા ઘરની બહાર દોડી આવી હતી. જોકે આરોપી યુવાને તેઓને પણ ગમે–તેમ ગાળો બોલી હતી. સગીરાએ આરોપીની બાથમાંથી છૂટવા પ્રયાસ કર્યો હતો, જોકે આરોપીએ ફરીયાદીને પેટના ભાગે લાત મારી તેમજ મો પર તમાચા મારી શારિરીક હુમલો કર્યો હતો. ઘટનાની જાણ સગીરાના પિતા ચુનીલાલ વસાવાને પડતા તેઓ દોડી આવ્યા હતા અને આરોપીના ચુંગલમાંથી સગીરાને છોડાવી હતી. આ અંગે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

શોકપીટ કૌભાંડ
નર્મદા જિલ્લાના તિલકવાડા અને ગરુડેશ્વર વિસ્તારમાં સામુહિક શોકપીટ (સોસકુવા) બનાવ્યા વિના ખોટા બિલો બનાવી 6.89 લાખ રૂપિયા જે તે એજન્સીએ ચૂકવી દેવાયા હતા. આ બાબતે નર્મદા ડી.આર.ડી.એ ડાયરેક્ટર જે.કે.જાદવે તિલકવાડાના તાત્કાલિક ટીડીઓ ઘનશ્યામ પટેલ, ગરુડેશ્વરના ટીડીઓ આર.એન.રાઠવા સહિત 23 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ગરુડેશ્વર અને તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મળતી માહિતી મુજબ તમામ ફરાર આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે.

શોકપીટ કૌભાંડની તપાસ શરૂ
આ કૌભાંડની ફરિયાદ થયાના બીજા જ દિવસથી આ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આ મામલે તિલકવાડા ટીડીઓ ડી.જી.જાસોલિયાએ જણાવ્યું હતું કે આ ઘટના સામે આવ્યા બાદ તિલકવાડા તાલુકા પંચાયતના તત્કાલિન ટીડીઓ ઘનશ્યામ પટેલ સહિતના અન્ય લોકો 7 તારીખથી પોતાની ફરજ પર હાજર નથી, આ બાબતની લેખિત જાણ અમે અમારી વડી કચેરીમાં કરી દીધી છે. આગળની કાર્યવાહી પોલીસ અને અમારી વડી કચેરી કરશે. જ્યારે ગરુડેશ્વર પોલીસ મથકના પીએસઆઈ અને તિલકવાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ પી.એમ.પરમારે જણાવ્યું હતું કે તમામ આરોપીની તપાસ માટે અમારી ટીમ એમની કચેરીએ અને ઘર પર ગઈ હતી, પણ કોઈ અમને મળી આવ્યું નથી. જેથી અમે આ ગુના સંદર્ભે આરોપીઓને જવાબ લખાવવા પોલીસ સમક્ષ હાજર થવા નોટીશ પાઠવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...