વધુ એક ઉમેદવારનું નામ જાહેર:નાંદોદ વિધાનસભા માટે આમ આદમી પાર્ટીએ પ્રફુલ્લ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

ગુજરાતમાં હજી સુધી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જે રીતે રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. તે જોતાં ચૂંટણી ટૂંક જ સમયમાં જાહેર થાય તેવી સંભાવના છે. જો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પણ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાને લઈને ભાજપ અને કોંગ્રેસે હજી સુધી એક પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. તેવામાં આપ ત્રીજી યાદી જાહેર કરી ભાજપ અને કોંગ્રેસથી એક ડગલું આગળ ચાલી રહી છે. બીજી બાજુ વહેલા યાદી જાહેર કરીને આપ પોતાના જ પગ પર કુહાડી મારી અન્ય પક્ષ માટે કામ સહેલું કરતી હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

નાંદોદના ઉમેદવાર તરીકે ડો. પ્રફુલ્લ વસાવાને જાહેર કરાયા
​​​​​​​નાંદોદ ( રાજપીપળા) વિધાનસભાના આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કોણ હશે એની ઘણાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આપના નાંદોદના ઉમેદવાર તરીકે ડો. પ્રફુલ્લ વસાવાને જાહેર કરવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ટીકીટ મળવાની આશાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પોતાના વિસ્તારના ગામોની મુલાકાત લઈ મોટી સંખ્યામાં આદિવાસીઓને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા હતા. ત્યારે ડો. પ્રફુલ વસાવાના નામની જાહેરાત કરાતા નિરંજન વસાવાની ટીકીટ મળવાની આશા પર પાણી ફરી વળ્યુ હોવાની સ્થાનિકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...