નર્મદા જિલ્લો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે વિશ્વ ફલક પર નામના મેળવી ચૂક્યો છે, પણ જિલ્લાના કેટલાક વિસ્તારો એવા છે, જયાં હજી સુધી વિકાસ પહોંચી શક્યો નથી અને કદાચ આ વિસ્તારના લોકો કદાપિ આધુનિકતાનો અનુભવ કરી શકશે નહીં. મુશળધાર વરસાદ બાદ હવે વાવણી ચાલી રહી છે, એવામાં અંતરિયાળ એવા બારખાડી ગામમાં મહિલા હળ ખેંચતી જોવા મળી હતી.
બળદ ન હોવાથી મહિલાઓ હળ ખેંચે છે
ગુજરાતમાં વિકાસની વાતો વિશ્વભરમાં કરવામાં આવે છે, પણ ગરવી ગુજરાતની વરવી વાસ્તવિકતા પણ છે. વિકાસશીલ ગુજરાતનાં ખેતરોમાં આધુનિક સાધનો આવી ગયાં છે એવામાં નર્મદાનાં અંતરિયાળ ગામોમાં બળદ ના હોવાથી મહિલાઓ હળ ખેંચી રહી છે. આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતા નર્મદા જિલ્લામાં 43 ટકા જેટલો ડુંગરાળ વિસ્તાર આવેલો છે.
સુવિધા ન હોવાથી મહિલાઓને ઉપયોગમાં લેવાય છે
આ ડુંગરાળ વિસ્તારનાં ગામડાં રહેતા પરિવારો જંગલની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ ખેડૂતો પાસે બળદ કે ટ્રેક્ટરની સુવિધા નહિ હોવાથી મહિલાઓથી કામ ચલાવવું પડે છે. ખેતરોમાં હળ ચલાવવા માટે બળદ કે ટ્રેકટરની જરૂર પડતી હોય છે, પણ બંને સંસાધનો નહિ હોવાથી મહિલાઓ હળ ખેંચે છે અને પાછળ પુરુષો ખેતરમાં બિયારણ નાખે છે. આદિવાસી સમાજના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ આવા અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોને કદાચ એક જોડી બળદ આપે તો સાચા અર્થમાં નારીશકિતનું સન્માન જળવાઈ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.