ફરિયાદ:રાજપીપળામાં ગરીબ લારીધારક પાસેથી વ્યાજખોરે 1 લાખના 4.85 લાખ પડાવ્યાં

રાજપીપળા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લામાં વ્યાજખોર સામે પ્રથમ ફરિયાદ : આરોપી વાવડીનો રહેવાસી

રાજયમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજપીપળામાં લારીધારકે વ્યાજે લીધેલાં 1 લાખ રૂપિયાની સામે વ્યાજખોરે 4.85 લાખ ખંખેરી લીધાં હોવાની ફરિયાદ નોંધાઇ છે. રાજય સરકારે વ્યાજખોરો સામે ઝૂંબેશ શરૂ કરી છે. વ્યાજખોરોથી ડરીને જીવતાં લોકો હવે સામે આવી રહયાં છે અને ફરિયાદ નોંધાવે છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં એસપી પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. તેમણે લોકોને વ્યાજખોરોથી ડર્યા વિના પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી. જેના પગલે રાજપીપળાના એક ઈસમે વાવડી ગામના ઈસમ સામે પોલીસ ફરિયાદ કરી હોવાની વિગતો સામે આવી છે.

ફરીયાદીએ જણાવ્યુ કે દિનેશ કનુભાઈ પંચાલ પાસેથી પાસેથી ટુકડે ટુકડે 1 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે આરોપીએ 8 એપ્રિલ 2018થી સપ્ટેમ્બર 2022 સુધી મુદ્દલ રકમનું માસિક 10 ટકાના ઉંચા વ્યાજદરે 4.84 લાખ રૂપિયાની વસુલાત કરી છે. 4.85 લાખ ચુકવ્યાં છતાં વધુ 1.50 લાખની માગણી કરી ફરીયાદી પાસેની ચાઇનીઝની લારીનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું હતું, સાથે જ કોરા ચેક પર ફરિયાદીની સહી કરાવી હતી.

આરોપીએ 1.50 લાખનો ચેક બેંક જમા કરાવ્યો હતો. જોકે, બેંકમાં રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો અને તેની નોટિસ ફરિયાદીને મોકલી હતી. તેના પછી આરોપી ફરિયાદીની લારી પર આવી ધાકધમકી આપી લારી પર કબ્જો જમાવ્યો હતો અને કહ્યું હતું કે તારે હજુ 1.50 લાખ રૂપિયા આપવાના છે. જો રૂપિયા નહીં આપે તો ઘર પોતાના નામે લખાવી લઈશ અને ચાઈનીઝ લારી પર પોતાનો હક જમાવ્યો હતો. ફરિયાદીને અહીં ધંધો કરવા માટે ભાડું ચુકવવા કહ્યું હતું. આરોપીએ ફરિયાદીને જાનથી મારવાની પણ ધમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...