નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં ચાઇનીઝ દોરી વેચતા એક વેપારીને પોલીસે 16 નંગ ફિરકા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન છેલ્લા ઘણા સમયથી ચાઇનીઝ બનાવટની દોરીનું ચલણ વધી ગયું હતું. ચાઇનીઝ દોરીના કારણે માનવીઓ તથા પક્ષીઓના મોતના બનાવો વધી રહયાં હોવાથી સરકારે ચાઇનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ મુકી દીધો છે તેમ છતાં બજારોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ચાલુ રહેતાં ચાલુ વર્ષે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
નર્મદા એસપી પ્રશાંત સુંબેની સૂચનાથી રાજપીપળા ટાઉન પીઆઇ આર.જે ચૌધરી અને તેમની ટીમ દ્વારા રાજપીપળા ના માર્કેટ વિસ્તારમાં ચાઈનીઝ દોરી અંગે તપાસ કરી ચેકીંગ કરતા રાજપીપળા સિંધીવાડ ખાતે રહેતા મહમદઅફસર શેખ ચાઇનીઝ બનાવટની દોરીના 16 ફિરકા સાથે ઝડપાય ગયો હતો.
પોલીસે તેની પાસેથી 4,700 રૂપિયાની કિમંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેની વિરૂધ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાયો છે. પી.આઈ આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાઈનીઝ દોરી, તુકકલો સહિત ડીજે અને હથિયાર બંધીનું જાહેરનામું લાગુ છે ત્યારે તેના અમલીકરણ માટે ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત ટ્રાફિક અને ઘરફોડ ચોરીના બનાવો રોકવા પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
ભરૂચ જિલ્લામાં પણ ચાઇનીઝ દોરીના સંદર્ભમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહયું છે અને અત્યાર સુધીમાં 14 લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પહેલાં પોલીસ પતંગ અને દોરી બજારમાં ચેકીંગ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.