'સાયબર ક્રાઇમ જાગૃતિ':નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સેમીનાર યોજાયો

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજપીપળા સ્થિત સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પડાઇ હતી.

સેમીનારમાં વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.એમ. પંચાલે ઉપસ્થિત રહી સાયબર ક્રાઇમને કેવી રીતે રોકી શકાય તે અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજ પુરી પાડી હતી. વર્તમાન સમયમાં ખાસ કરીને ડીજીટલ પ્લેટફોર્મનો સૌથી વધુ ઉપયોગ કરનાર યુવા વર્ગ સાયબર ક્રાઇમનો ઝડપથી ભોગ બનતા હોય છે. ડીજીટલ યુગમાં સાયબર ક્રાઇમ પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે પંચાલે ડીજીટલ યુગના ફાયદા અને ગેરફાયદા, સ્પાયવેર ઇન્સ્ટોલેશન કેવી રીતે રોકી શકાય, સાયબર ક્રાઇમના પ્રકારો, સાયબર ક્રાઇમથી બચવા માટેના ઉપાયો વગેરેની ઉદાહરણ સહિત સચોટ માહિતી પુરી પાડી હતી.

પીએસઆઇ ડી.એમ. પંચાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં તમામ નાગરિકોને તેમાં કેવા પ્રકારની કાળજી રાખવી અને પોતાના અંગત ડેટા અજાણી વ્યક્તિ સુધી જતા કેવી રીતે રોકી શકાય, આજકાલ વધી રહેલા બેન્ક ફ્રોડમાંથી કેવી રીતે બચી શકાય, જાણતા અજાણતા સાયબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે ટાળી શકાય તેમજ જો કોઇ સાથે ફ્રોડ થાય તો સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન-1930 નો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગેની પણ જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...