ચાર્જિંગ સ્ટેશન પર ત્રણ રિક્ષાઓ બળીને ખાખ
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ઇલેક્ટ્રીક રિક્ષા ચાર્જ કરવાના સ્ટેન્ડ ઉપર રાત્રે અચાનક આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ઇલેક્ટ્રીક રિક્ષાની સેવા છેલ્લા ઘણા સમયથી ચાલુ કરવામાં આવી છે. પરંતુ આ ઈલેક્ટ્રીક રિક્ષાઓના ચાર્જિંગ સ્ટેન્ડ પર આગ લાગવાનો સતત ત્રીજો બનાવ બન્યો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ આગમાં ત્રણ રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આ ઈલેક્ટ્રીક રિક્ષા ચાર્જ કરવાના સ્ટેન્ડ પર વહીવટી તંત્ર દ્વારા એક ડઝન સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જો સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવે તો તથ્ય બહાર આવે તેમ છે. મહત્ત્વની બાબત એ છે કે કેવડિયા એકતા નગર ખાતે ઓડિટોરિયમની સામે લાખો રૂપિયાના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે હાલમાં પણ ધૂળ ખાઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તેને ક્યારે ચાલુ કરાશે તેની કેવડિયાના નાગરિકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો આ ફાયર સ્ટેશન કાર્યરત હોત તો રિક્ષાઓ બચી ગઈ હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.