ગુજરાત રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રે થયેલા હરણફાળ વિકાસને વધુ વેગવાન બનાવવાના ઉમદા આશય સાથે નાંદોદ તાલુકાના જીતગઢ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-દેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.પ્રમોદ વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની પશુપાલન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.વર્માએ પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય ગણાવતા કહ્યું કે, પશુપાલન વગર ગ્રામ્ય જીવન શક્ય નથી. તેથી પશુઓને પરિવારનો સભ્ય ગણીને તેમના આહાર, આરોગ્ય સહિત યોગ્ય કાળજી લઈને લાગણીક્ષમ અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં સમયની માગ આધારે ટેક્નોલોજી સાથે આગળ વધવા સમજણ પુરી પાડી હતી. વહિવટી તંત્રના વિભાગો, સંસ્થાઓ સાથે સંપર્ક સાધીને પશુપાલન-ખેતી અંગે માર્ગદર્શન તેમજ લાભ લેવા પણ વર્માએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.કે.સીનોરાએ પણ પશુપાલકો-ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. જેમાં વિનોદ પટેલે જણાવ્યું કે, રાગી, બાજરી, મોરિયું, જુવાર, જવ વગેરે જેવા મિલેટ્સ ધાન્યો આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પુરુ પાડી શરીરના સંતુલિત વિકાસમાં ખુબ મદદરૂપ સાબિત થશે. પીએમ કિસાન યોજના અન્વયે ખેડૂત લાભાર્થીઓને E-KYC અને બેન્ક ખાતામાં આધાર સિડિંગ કરવા સહિત આઈ-ખેડૂત પોર્ટલ અંગે માહિતગાર કરી વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા પટેલે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
નાયબ પશુપાલન નિયામક જે.આર.દવેના કુશળ સંચાલનમાં આયોજિત આ શિબિર પશુપાલકો-ખેડૂતો માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. જેમાં દવેએ પશુપોષણ, પશુમાવજત, પશુઆરોગ્ય, પશુસંવર્ધન, ક્લાઈમેટ ચેન્જથી પશુ ઉત્પાદકતા પર થતી અસર અને કાળજી અંગેના તમામ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરીને આદર્શ પશુપાલન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વ ગ્રામજનોને માહિતગાર કરીન પશુપાલન તાલીમ શિબિરમાં પશુપાલકોને પશુઓના આરોગ્ય સબંધિત દવાઓનુ નિશુલ્ક વિતરણ કરીને યોગ્ય રીતે પશુઓની સારસંભાળ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.